જામનગરમાં દિગ્જામ સર્કલ સિધ્ધાર્થનગર વિસ્તારમાં રહેતાં યુવાનને મહિલા દંપતી અને પરિવાર સાથે ચાલતા જૂના મનદુ:ખનો ખાર રાખી પાંચ શખ્સોએ યુવાનને મહાકાળી સર્કલે બોલાવી ત્યાંથી બાઈક પર અપહરણ કરી ઘરે લઇ જઇ હથિયાર વડે જીવલેણ હુમલો કરી ઢીમ ઢાળી દીધાના બનાવમાં પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.

હત્યાના બનાવની વિગત મુજબ, જામનગર શહેરના દિગ્જામ સર્કલ પાસે આવેલા સિધ્ધાર્થનગર શેરી નંબર-4 માં કાનજી ઉર્ફે કાનો ધનજીભાઈ પરમાર (ઉ.વ.23) નામના યુવાનને હિનાબેન મકવાણા અને તેના પતિ તથા પુત્રો સાથે જૂનુ મનદુ:ખ ચાલતું હતું અને આ મનદુ:ખનો ખાર રાખી પાંચ શખ્સોએ પૂર્વ આયોજિત કાવતરુ રચી કાનજીને શનિવારે રાત્રિના સમયે મહાકાળી સર્કલ પાસે ફોન કરીને બોલાવ્યો હતો અને ત્યાં હિતેન ઉર્ફે હિરો દેપાળ મકવાણા, પ્રકાશ ઉર્ફે પવો પરમાર, દિલીપ ઉર્ફે દિનેશ પરમાર, મન્યો દેવશી મકવાણા અને આશિષ રાજુ વારસાકીયા સહિતના શખ્સોએ માથાકૂટ કરી હતી અને કાનજીનું બાઈક પર અપહરણ કરી હિનાબેન દેપાળ મકવાણાના ઘરે લઇ ગયા હતાં. જ્યાં હિનાબેનના પુત્ર હિતેન સહિતના પાંચ શખસોએ એકસંપ કરી કોઇ હથિયાર વડે કાનજી ઉર્ફે કાના ઉપર જીવલેણ હુમલો કરી હત્યા નિપજાવી હતી અને ત્યારબાદ લાશને પુલ નીચે ફેંકી દીધી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળે છે.
ત્યારબાદ બનાવની જાણ થતા લોકો એકઠા થઈ ગયા હતાં અને બનાવની જાણના આધારે શહેર ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા તથા પીઆઈ વી બી ચૌધરી સહિતનો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો અને સ્થળ પરથી મૃતદેહનો કબ્જો સંભાળી સંભાળી પીએમ માટે મોકલી મૃતકની માતા રામીબેન ધનજીભાઈ પરમારના નિવેદનના આધારે પાંચ શખ્સો વિરૂધ્ધ પૂર્વ આયોજીત કાવતરુ રચી અપહરણ અને હત્યાનો ગુનો નોંધી હત્યારાઓની શોધખોળ માટે ચક્રો ગતિમાન કરી પાંચ હત્યારાઓની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.