તાજેતરમાં જામનગરના રાજવી પરિવારની મીલકત અંગેના રજીસ્ટર વીલ બોગસ અને રદ્દ બાતલ ઠરાવવા અંગેનો દાવો અદાલત દ્વારા મંજૂર કર્યાના સમાચારો પ્રસિધ્ધ થયા હતાં. આ અંગે જામનગરના જામસાહેબ દ્વારા જણાવાયું છે કે, આ સમાચારમાં રાજવી પરિવારની કોઇપણ વ્યકિત નથી તેમજ રાજવી પરિવારનો કોઇપણ કાયદાકીય વિવાદ ચાલી રહ્યો નથી.
આ અંગેની વિગત મુજબ, તાજેતરમાં જામનગરના સુમેર કલબ રોડ પર આવેલ રહેણાંક જગ્યા અંગેના રજીસ્ટર વીલ બોગસ અને રદ્દ બાતલ ઠરાવવા અંગે દિવાની અદાલતમાં દાવો થયો હતો. જેમાં અરજદાર રાજવી પરિવારની જગ્યા હોવાનું જણાવાયું હતું. આ દાવો અદાલત દ્વારા મંજૂર પણ કરવામાં આવ્યો હતો. ત્યારે જામનગરના જામસાહેબ દ્વારા આ અંગે જણાવાયું છે કે રાજવી પરિવારની કોઇપણ વ્યકિત તેમાં નથી. જે વ્યકિતઓના નામ આ કેસમાં છે તે વ્યક્તિઓને ભાયાત કઈ શકાય પણ રાજવી પરિવાર કયારેય નહીં. રાજ પરિવારના કોઇપણ કાયદાકીય વિવાદ નથી ચાલી રહ્યો. આથી અદાલત સુધી જવાની વાત જ નથી. તેમજ આ કેસમાં જે વકીલોના નામ છે તે પણ જામસાહેબ કે રાજવી પરિવારના ઓળખીતા નથી. માટે આ રાજપરિવારને સંબંધિત હોવાનું જુઠુ છે.