ગુજરાત સરકાર રસ્તા પર રખડતાં પશુઓ મામલે કડક કાયદો લાવી રહી છે. પરંતુ આ પશુ નિયંત્રણ કાયદાને લઇને ગુજરાતના માલધારી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. અને વિવિધ જીલ્લાના માલધારીઓ દ્વારા રેલી, સુત્રોચ્ચાર કરી આવેદનપત્ર પણ પાઠવવામાં આવી રહ્યા છે. આજે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે મીડિયા સમક્ષ નિવેદન આપતા જણાવ્યું હતું કે, મને પણ લાગે છે, હાલ આ કાયદાની જરૂર નથી. કાયદા અંગે ફેરવિચારણા કરવા માટે મુખ્યમંત્રી સાથે વાત કરી છે. હાલ મહાનગરોમાં જે જોગવાઈ છે. તે પુરતી છે. આ મામલે મુખ્યમંત્રી સાથે પણ ચર્ચા કરવામાં આવી છે. આ અંગે ફેરવિચારણા કરવામાં આવશે. તેમ સીઆર પાટીલે જણાવ્યું હતું.
#Gujarat #Video @CRPaatil #Khabargujarat
પશુ નિયંત્રણ કાયદાને લઈને સીઆર પાટીલે શું કહ્યું ? સાંભળો…. pic.twitter.com/6oVNJOc8tU— Khabar Gujarat (@khabargujarat) April 4, 2022
તાજેતરમાં જ વિધાનસભામાં રખડતા ઢોરના કાયદા મામલે એક બીલ પાસ થયું છે. તે મુજબ દરેક પશુનું ફરજિયાત ટૅગિંગ કરાવવાનું રહેશે, કાયદો પસાર થયાના 15 દિવસની અંદર પશુ રાખવાનું લાઇસન્સ લેવું પડશે, ટૅગિંગ ન હોય તેવા ઢોરને જપ્ત કરવામાં આવશે તથા રૂ. 50 હજારનો દંડ લીધા બાદ જ છોડવામાં આવશે, ટૅગિંગ નહીં કરાવનારા પશુમાલિકને જેલ અથવા રૂ. 10 હજારનો દંડ અથવા બંને સજાની જોગવાઈ કરવામાં આવી છે. પ્રથમ વખત રઝળતું ઢોર પકડાય એટલે માલિકને રૂ. પાંચ હજારનો દંડ, બીજી વખત પકડાય એટલે 10 હજારનો દંડ તથા ત્રીજી વખત રૂ. 15 હજારનો દંડ તથા એફઆઈઆર કરવામાં આવશે. આ કાયદાનો માલધારી સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. અને કાયદો પાછો ખેંચવાની માંગ કરવામાં આવી રહી છે.