ધારાસભ્ય હકુભા જાડેજાના યજમાન પદે જામનગરમાં યોજાઇ રહેલી શ્રીમદ્ ભાગવત્ કથામાં કથા શ્રવણ માટે પધારેલા પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલનું યજમાન હકુભા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સાથે ખોડલધામના નરેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતાં. બંન્નેની એકસાથે એન્ટ્રી સુચક માનવામાં આવી રહી છે.
જામનગરમાં યોજાઇ રહેલ ભાગવતાચાર્ય રમેશભાઇ ઓઝાની કથાના આજે ચોથા દિવસે સવારે રાજયના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાધેલા ઉપસ્થિત રહ્યા બાદ મોડેથી પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલનું પણ આગમન થયું હતું. તેમણે કથા શ્રવણનો લાભ લઇ ભાગવતાચાર્ય રમેશભાઇ ઓઝાના આર્શિવાદ મેળવ્યાં હતાં. આ તકે તેમની સાથે ખોડલધામના સર્વેસર્વા નરેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતાં. બંન્નેની એકસાથે ઉપસ્થિતી ધ્યાનાકર્ષક બની હતી. નરેશ પટેલ કથાના પ્રારંભે પોથી યાત્રામાં પણ ઉપસ્થિત રહ્યા હતાં. યજમાન હકુભા જાડેજા દ્વારા તેમનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. આજે કથામાં જામનગરના સાંસદ પુનમબેન માડમ, મેયર બિનાબેન કોઠારી, જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઇ મુંગરા, ધારાસભ્ય આર.સી.ફળદુ, શહેર ભાજપા અધ્યક્ષ ડો.વિમલ કગથરા, ધનસુખ ભંડેરી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.