WHO ના ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન કેન્દ્રના શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જામનગર એરપોર્ટ સ્ટેશન ખાતે આવી પહોંચતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ તેમનું ઉષ્માસભર સ્વાગત કર્યું હતું. પ્રધાનમંત્રી મોદી તેમજ અન્ય મહાનુભાવો સર્કિટ હાઉસ જવા માટે નીકળ્યા હતા ત્યારે એરફોર્સ સ્ટેશન બહાર મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોએ પ્રધાનમંત્રીનું અભિવાદન કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે વિશ્વના પ્રથમ પારંપરિક ચિકિત્સાના મેડિસિન સેન્ટરનો શિલાન્યાસ થવા જઈ રહ્યો છે ત્યારે આ ઐતિહાસિક ઘટનાના સાક્ષી બનવા સમગ્ર જામનગરવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
એરફોર્સ સ્ટેશન ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વાગતમાં મુખ્યમંત્રી સાથે કેન્દ્રીય આયુષ મંત્રી સર્બાનંદ સોનોવાલ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયા, સાંસદ પૂનમબેન માડમ, મેયર મતી બીનાબેન કોઠારી, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા, મુખ્ય સચિવ પંકજ કુમાર, કોમોડોર ગૌતમ મારવાહ, એર કોમોડર આનંદ સોંઢી, બ્રિગેડિયર સિદ્ધાર્થ ચંદ્ર, જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધી, પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ વગેરે સહભાગી બન્યા હતા.