દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા બે દિવસથી ઝાંકળ અને ગરમી-ઠંડીના મિશ્ર માહોલ વચ્ચે આજરોજ જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો.
આજરોજ બપોરે કલ્યાણપુર તાલુકામાં વરસાદી માહોલ છવાયા બાદ એકાએક જુદા જુદા ગામોમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. કલ્યાણપુર તાલુકાના ટંકારીયા, દેવળીયા, ચાચલાણા સહિતના જુદા જુદા ગામોમાં હળવા તથા ભારે વરસાદી ઝાપટા વરસ્યા હતા. આ કમોસમી વરસાદના પગલે માર્ગો પર પાણી ચાલી નીકળ્યા હતા. સાથે-સાથે ખેતરોમાં પણ પાણી ભરાતા અનેક ખેડૂતોને પોતાની ખેત ઉપજમાં નુકસાની થવા પામી હતી.
બપોરે બે થી ચાર વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કલ્યાણપુર તાલુકામાં 40 મીલીમીટર (દોઢ ઇંચ) જેટલો વરસાદ વરસી ગયાનું સરકારી ચોપડે નોંધાયું છે. આમ, કમોસમી માવઠાના પગલે કેટલાક ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયા જેવી પરિસ્થિતિ પણ સર્જાઈ હતી.