ગતરાત્રિથી જામનગર જિલ્લામાં સાર્વત્રિક રીતે વરસી રહેલાં વરસાદને કારણે જામનગર જિલ્લાના જળાશયોમાં નવા પાણીની આવક શરૂ થઇ છે. જામનગર જિલ્લામાં આવેલાં કુલ રપ જળાશયો પૈકી 16 જળાશયોમાં અડધાથી માંડીને પાંચ ફુટ સુધીના નવાનીરની આવક થવા પામી છે. જામનગર શહેરના પાણીના મુખ્ય સ્ત્રોત એવા રણજીતસાગર ડેમમાં એક ફુટ નવું પાણી આવતાં ડેમની સપાટી 19.4 ફુટે પહોંચી છે. આ ઉપરાંત ઉંડ-1માં 1.18 ફુટ જયારે સસોઇમાં નવા 1 ફુટની પાણીની આવક થઇ છે. ઉપરાંત શહેરના પાણીના ચોથા સ્ત્રોત એવા આજી-3માં પણ પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક થતાં જળાશયમાંથી છોડવામાં આવી રહ્યું છે.
ગઇકાલથી વરસી રહેલાં વરસાદને કારણે પન્ના ડેમમાં 2.33 ફુટ, સપડામાં 1.97, વિજરખીમાં પોણો ફુટ, ડાયમીણસારમાં અડધો ફુટ, આજી-4માં 1.64 ફુટ, રંગમતિમાં 3.28 ફુટ, ઉંડ-2માં 4.60 ફુટ, વોડીસાંગમાં અડધો ફુટ, કંકાવટી ડેમમાં 1.15 ફુટ, ફુલઝર કોટડાબાવીસીમાં 1.5 ફુટ, રૂપારેલ 1.25 ફુટ સૌથી વધુ ઉંડ -4માં 5 ફુટ નવા પાણીની આવક થતાં આ ડેમ છલકાઇ ગયો હતો. જયારે ફોફળ-ર જળાશય 100 ટકા ભરાઇ ગયો છે. આમ જામનગર જિલ્લાના રપ પૈકી 16 જળાશયોમાં નવા નીરની આવક થઇ છે. જિલ્લાના તમામ રપ જળાશયોમાં હાલ 3,580 એમસીએફટી પાણીનો જથ્થો સંગ્રહ થયો હોવાનું સિંચાઇ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.