જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં રહેતાં ચોકીદાર પ્રૌઢને રવિવારે બાઈકના વર્કશોપમાં ઈલેકટ્રીક કેબલ વાયર પગમાં આવી જતાં વીજશોક લાગતા પડી જતાં માથામાં ઈજા પહોંચવાથી મોત નિપજ્યું હતું. જામનગર શહેરના ભક્તિનગર વિસ્તારમાં રહેતી મહિલાને બીમારી સબબ તબિયત લથડતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, પ્રથમ બનાવ જામનગર શહેરના ગુલાબનગર રામ મંદિરવાળી શેરીમાં રહેતા રમેશભાઈ નરશીભાઇ ચૌહાણ (ઉ.વ.55) નામના પ્રૌઢ હાપામાં યામાહાના શોરૂમના વર્કશોપમાં ચોકીદાર તરીકે ફરજ બજાવતા હતાં તે દરમિયાન રવિવારે સવારના સમયે શોરૂમમાં ઇલેકટ્રીક કેબલ વાયર પ્રૌઢ ચોકીદારના પગમાં આવી જતાં વીજશોક લાગવાથી પડી જતાં માથામાં ઈજા પહોંચી હતી. ત્યારબાદ પ્રૌઢને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે હરીશભાઈ દ્વારા જાણ કરાતા હેકો સી.ડી. જાટીયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી તપાસ આરંભી હતી.
બીજો બનાવ, જામનગર શહેરના ભક્તિનગર શંકરના મંદિર પાસે રહેતાં અર્ચનાબેન જીતેન્દ્રસિંગ કુશ્વાહ (ઉ.વ.34) નામના બીમાર મહિલાની તબિયત લથડતા શુક્રવારે સાંજના સમયે મહિલાને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં સારવાર દરમિયાન તેણીનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પતિ જીતેન્દ્રસિંગ દ્વારા જાણ કરાતા હેકો એચ.એ. પરમાર તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ આરંભી હતી.