Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરઆવતીકાલે મતદાન, અધિકારીઓ અને કર્મચારીઓને ફરજ સોંપાઈ

આવતીકાલે મતદાન, અધિકારીઓ અને કર્મચારીઓને ફરજ સોંપાઈ

જામનગરની પાંચ સહિત કુલ 89 બેઠકો પર આવતીકાલે સવારે 8 વાગ્યાથી મતદાનનો પ્રારંભ: પોલીસ, હોમગાર્ડ તથા બીએસએફના જવાનો દ્વારા ઝડબેસલાક બંદોબસ્ત : હાલારના કુલ 69 ઉમેદવારોનું ભાવિ નકકી થશે : જામનગર જિલ્લાના 12,08,571 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે

- Advertisement -

જામનગર જિલ્લાની પાંચ વિધાનસભા તથા દ્વારકા જિલ્લાની બે વિધાનસભા બેઠકો સહિત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની કુલ 89 વિધાનસભા બેઠકો ઉપર આવતીકાલે સવારે 8 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી પ્રથમ તબકકાનું મતદાન યોજાશે. જામનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો ઉપર કુલ 12,08,571 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. આ મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે યોજાઈ તે માટે પોલીસ દ્વારા ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. ગઈકાલે સાંજે પાંચ વાગ્યાથી પ્રચાર પરઘમ શાંત થઈ ગયા છે ત્યારે છેલ્લી 24 કલાકમાં ઉમેદવારો ગુપ્ત બેઠકો યોજી ચૂંટણી પ્રચાર કરશે. જામનગર જિલ્લાની પાંચ બેઠકો માટે કુલ 45 દાવેદારો મેદાનમાં રહ્યા છે.

- Advertisement -

જામનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો સહિત હાલારની સાત બેઠકો માટે આવતીકાલે મતદાન પ્રક્રિયા યોજાનાર છે. પ્રથમ તબકકાના આવતીકાલના મતદાનને માત્ર ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ત્યારે આ સમયગાળો અતિશય સંવેદનશીલ હોવાને કારણે તમામ તંત્રો સજાગ બન્યા છે અને બીજી તરફ મુખ્ય રાજકીય પક્ષોના નેતાઓથી લઇ નાના મોટા તમામ કાર્યકરો સતત દોડી રહ્યા છે. આજની રાત ઘણી બધી ઉથલપાથલો સર્જાશે. ઉમેદવારો દ્વારા ગુપ્ત બેઠકો સહિતના અનેક પ્રચારના પ્રયાસો થશે.

જામનગર જિલ્લાની 76-કાલાવડ, 77 જામનગર ગ્રામ્ય, 78 જામનગર ઉત્તર, 79 જામનગર દક્ષિણ, 80 જામજોધપુર વિધાનસભા બેઠક ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લાની 81-ખંભાળિયા અને 82-દ્વારકા વિધાનસભા બેઠક સહિત હાલારની સાત બેઠકોનું મતદાન આવતીકાલે સવારે યોજાનાર છે. મતદાન પૂર્વેની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. વહીવટી તંત્રના તમામ અધિકારીઓ અને હજારો કર્મચારીઓ જુદાં-જુદાં મતદાન મથકોએ પહોંચવા આજે સવારથી જ રવાના થઈ ચૂકયા છે. તેમજ પોલીસકર્મચારીઓ, હોમગાર્ડ જવાનો અને બીએસએફના જવાનો પણ હાલારમાં આવી ચૂકયા છે. મતદાન મથકોએ મતદાન માટેની કિટ તથા ઈવીએમ તેમજ વીવીપેટ મશીન વગેરે પહોંચાડવાની વ્યવસ્થા ઝડપભેર ચાલી રહી છે. આજે સાંજ સુધીમાં તમામ મતદાન મથકો મતદાન પ્રક્રિયા માટે સજ્જ થઈ ચૂકયા હશે.

- Advertisement -

જામનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો ઉપર 6,19,436 પુરૂષ મતદારો, 5,89,121 સ્ત્રી મતદારો સહિત કુલ 12,08,571 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જામનગર જિલ્લાની વિધાનસભા બેઠકોની વાત કરીએ તો 76-કાલાવડની અનામત બેઠક ઉપર સૌથી ઓછા માત્ર પાંચ દાવેદારો મેદાનમાં રહ્યાં છે. જ્યારે 77-જામનગર ગ્રામ્યની બેઠક ઉપર છ દાવેદારો વચ્ચે ચૂંટણીજંગ ખેલાશે. તેવી જ રીતે 78-જામનગર ઉત્તરની બેઠક ઉપર 11 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે તો 79-જામનગર દક્ષિણની બેઠક માટે સૌથી વધુ 14 બેઠકો મેદાનમાં છે. 80-જામજોધપુરની બેઠકમાં કુલ 9 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે આવતીકાલે સવારે 8 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી મતદાન યોજાશે.

જામનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકોમાં કુલ 1289 મતદાન મથકો મંજૂર થયા છે તેમજ તમામ મતદાન વિભાગો ખાતે સખી મતદાન મથકો, પી ડબલ્યુ ડી મતદાન મથકો, ઈકો ફ્રેન્ડલી મતદાન મથકો તથા યુવા અધિકારી સંચાલિત મતદાન મથકો રાખવામાં આવ્યા છે.

- Advertisement -

પોલીસ અધિક્ષક સહિત ચૂંટણીમાં 3800 પોલીસકર્મી અને જવાનો

જામનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો માટે આવતીકાલે 1લી ડિસેમ્બરના સવારે 8 વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી મતદાન થનાર છે. આ મતદાન શાંતિપૂર્ણ અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે રીતે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ દ્વારા સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આવતીકાલે થનારા મતદાન માટે પોલીસ અધિક્ષક તથા પોલીસ ઈન્સ્પેકટર અને પીએસઆઈ મળી 75 જેટલા અધિકારીઓ તથા 1500 પોલીસ કર્મચારીઓ, 1100 હોમગાર્ડના જવાનો, 500 જેટલા જીઆરડીના જવાનો તેમજ અમદાવાદના 650 જેટલા પોલીસ કર્મીઓ ઉપરાંત 27 જેટલી પેરા મીલેટ્રી કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. આજે સવારથી પોલીસ કર્મચારીઓ અને જવાનોને તેમની ફરજ સોંપી દેવામાં આવી છે. જિલ્લામાં કયાંય પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટેની તકેદારી રાખવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular