Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયલોકશાહીના મહાપર્વનો પ્રારંભ

લોકશાહીના મહાપર્વનો પ્રારંભ

- Advertisement -

વિશ્વના સૌથી મોટા લોકતંત્રમાં આજથી લોકસભા ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. સાત તબક્કામાં યોજાનારી લોકસભા ચૂંટણીના પહેલા તબક્કામાં શુક્રવારે 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 102 બેઠકો પર મતદાન થશે. પહેલા તબક્કાના મતદાનમાં 1625 ઉમેદવારો મેદાનમાં છે. તેમજ કેન્દ્રના 8 મંત્રીઓના નસીબ ઈવીએમમાં લોક થશે. લોકસભા ચૂંટણીના પહેલા તબક્કાના મતદાન સાથે અરૂણાચલ પ્રદેશ (60 બેઠકો) અને સિક્કિમ (32 બેઠકો)માં વિધાનસભાની ચૂંટણી પણ યોજાશે.

- Advertisement -

ચૂંટણી પંચ મુજબ પહેલા તબક્કાના મતદાનમાં કુલ 1625 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં 1491 પુરુષ અને 134 મહિલા ઉમેદવારો છે. પહેલા તબક્કાના મતદાનમાં માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી, પૃથ્વી વિજ્ઞાાન મંત્રી કિરણ રિજિજૂ સહિત 8 કેન્દ્રીય મંત્રી, બે પૂર્વ મુખ્યમંત્રી ત્રિપુરામાં વિપ્લવ દેવ અને અરૂણાચલમાં નબામ તુકી અને તેલંગણાના રાજ્યપાલપદેથી રાજીનામું આપનારા તમિલિસાઈ સૌન્દરરાજન પણ ચૂંટણી મેદાનમાં તેમનું નસીબ અજમાવી રહ્યા છે. વધુમાં પહેલા તબક્કાના મતદાનમાં તમિલનાડુ જ એક એવું મોટું રાજ્ય છે જેની બધી જ 39 બેઠકો પર મતદાન થવાનું છે. આ સિવાય રાજસ્થાનની 12, ઉત્તર પ્રદેશની 8, મધ્ય પ્રદેશની 6, મહારાષ્ટ્ર, અસમ અને ઉત્તરાખંડની 5-5, બિહારની 4, પશ્ર્ચિમ બંગાળની 3, મેઘાલય, અરૂણાચલ પ્રદેશ અને મણિપુરની 2-2 તેમજ પુડુચેરી, મિઝોરમ, છત્તીસગઢ, જમ્મુ-કાશ્મીર, લક્ષદ્વિપ, સિક્કિમ, ત્રિપુરા, નાગાલેન્ડ અને અંદમાન-નિકોબારની 1-1 બેઠક પર મતદાન થશે. દેશમાં 543 લોકસભા મતવિસ્તારોમાં કુલ મતદારોની સંખ્યા 97 કરોડ છે ત્યારે શુક્રવારે 16.63 કરોડથી વધુ મતદારો મતદાન કરશે, જેમાં 20થી 29 વર્ષની વય જૂથના 3.51 કરોડ યુવા મતદારોનો સમાવેશ થાય છે. આ સાથે 35.67 લાખ મતદારો પહેલી વખત મતદાન કરશે. પહેલા તબક્કામાં મતદાન કરનારા મતદારોમાં 8.4 કરોડ પુરુષો, 8.23 કરોડ મહિલાઓ તથા 11,371 થર્ડ જેન્ડર મતદાન કરશે.

ચૂંટણી પંચે 21 રાજ્યોના 102 મતવિસ્તારોમાં 1.87 લાખ મતદાન મથકો પર 18 લાખથી વધુ મતદાન અધિકારીઓ નિયુક્ત કર્યા છે. મતદાનના દિવસે સીઆરપીએફ અને બોર્ડર સિક્યોરિટી ફોર્સ સહિત સીએપીએફની 350 કંપનીઓ તથા વિવિધ રાજ્યોની પોલીસની 300 જેટલી કંપનીઓ સાથે કુલ 60,000 જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. અરૂણાચલ પ્રદેશમાં ભારે વરસાદની હવામાન વિભાગની ચેતવણી વચ્ચે લોકસભાની બે બેઠકો સાથે વિધાનસભાની 60 બેઠકો પર પણ મતદાન થવાનું છે. જોકે, તેમાંથી 10 બેઠકો પર ભાજપે બિનહરીફ વિજય મેળવી લીધો છે. બીજીબાજુ પાકિસ્તાન સાથે ચાલી રહેલા યુદ્ધવિરામ વચ્ચે જમ્મુ-કાશ્મીરની એક જ ઉધમપુર બેઠક પર મતદાન થવાનું છે, જ્યાં 2,637 મતદાન મથકો પર શાંતિપૂર્ણ મતદાનની અપેક્ષા રાખવામાં આવે છે. ઉધમપુરમાં આતંકીઓ ચૂંટણી પ્રક્રિયામાં કોઈ અવરોધ ઊભો ના કરે તે માટે સુરક્ષા દળોએ પર્યાપ્ત તકેદારી રાખી છે.

- Advertisement -

છેલ્લા એક વર્ષ કરતાં વધુ સમયથી વંશીય હિંસાનો સામનો કરી રહેલા મણિપુરમાં લોકસભાની બંને બેઠકો પર શુક્રવારે મતદાન થશે. જોકે, સુરક્ષા બાબતોને ધ્યાનમાં રાખતા આઉટર મણિપુર લોકસભા બેઠકના 15 વિધાનસભા મતવિસ્તારમાં શુક્રવારે જ્યારે 13 વિધાનસભા મતવિસ્તારમાં 26 એપ્રિલે બીજા તબક્કામાં મતદાન થશે. આમ મણિપુરના એક જ લોકસભા મતવિસ્તારમાં બે તબક્કામાં મતદાન થશે. છત્તિસગઢમાં ગયા સપ્તાહે 29 નક્સલવાદીઓ માર્યા ગયા હતા તે નક્સલગ્રસ્ત બસ્તર લોકસભા બેઠક પર પણ શુક્રવારે મતદાન છે. આ બેઠક પર 1961 મતદાન મથકો છે, જેમાં 61 મતદાન મથકોને ’જોખમી’ જ્યારે 196 મતદાન મથકોને ’ગંભીર’ કેટેગરીમાં વર્ગીકૃત કરાયા છે. જોકે, આ બેઠક પર પર્યાપ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular