રાજ્યમાં આજે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાઇ રહી છે. જામનગર જિલ્લામાં જામનગર ની 26, કાલાવડની 20, લાલપુરની 23, જામજોધપુરની 29, ધ્રોલની 11, જોડીયાની 10 મળી કુલ ૧૧૯ ગ્રામ પંચાયતોની મતદાન પ્રક્રિયાનો આજે સવારે 7 વાગ્યે પ્રારંભ થયો હતો. આ ઉપરાંત જામનગર તથા જામજોધપુરની 4-4 તથા કાલાવડ લાલપુરની 1-1 ગ્રામ પંચાયતની પેટા ચુંટણી માં મતદાન થઇ રહ્યું છે.
જામનગર જિલ્લાની 119 ગ્રામ પંચાયતો સહિત રાજયની કુલ 8684 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે આજે સવારે 7 વાગ્યા થી ચુસ્ત પોલીસબંદોબસ્ત વરચે મતદાનનો પરમભ થયો હતો. કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે પોલીસ, હોમગાર્ડઝ, એસઆરપીનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જામનગર જિલ્લામાં આજે 119 ગ્રામ પંચાયતોની સામાન્ય અને 10 ગામોની પેટા ચુંટણી નું મતદાન ચાલી રહ્યું છે. આ ચુંટણી શાંતિથી અને સુચારૂ રીતે પુરી થાય તે માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા 56 ચુંટણી અધિકારીઓ સહિત પોલીંગ સ્ટાફના 1692 કર્મચારીઓ, 552 પોલીસ, 522 હોમગાર્ડ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.
શિયાળાની કડકડતી ઠંડીમાં પણ મતદારો ભારે ઉત્સાહ સાથે મતદાન મથકે પહોંચ્યા હતા. જામનગર જિલ્લામાં 119 ગ્રામ પંચાયતની સામાન્ય ચુંટણીમાં બપોરે 1 વાગ્યા સુધીમાં સરેરાશ 42.02 ટકા મતદાન થયું હતું. જામનગર માં 43.02 %, કાલાવડમાં 44.20 %, લાલપુર માં 39.97 %, જામજોધપુરમાં 43.04 %, ધ્રોલ માં 46.75 %, જોડીયા માં 35.98 % મતદાન થયું હતું.
જયારે જામનગર જીલ્લાની ગ્રામપંચાયતની પેટા ચુંટણીમાં બપોરે 1 વાગ્યા સુધીમાં સરેરાશ 35.21 ટકા મતદાન થયું હતું. જામજોધપુર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ધ્રાફા ગામે પૂર્વ ધારાસભ્ય અને માર્કેટિંગ પાર્ડના ચેરમેન બ્રિજરાજસિંહ જાડેજાએ મતદાન કર્યું હતું આ ઉપરાંત કોંગી ધારાસભ્ય ચિરાગ કાલરીયા એ તેમજ પ્રવિણ મુસડીયા એ પરિવાર સાથે મતદાન કર્યું હતું.