રાજય વિધાનસભાની પ્રથમ તબકકાની 89 બેઠકો પૈકી હાલારની 7 બેઠકો પર મતદારો દ્વારા લોકશાહીના મહાપર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. તમામ બેઠકો પર આજે સવારે આઠ વાગ્યાથી ઉત્સાહપૂર્વક માહોલમાં મતદારો મતદાન કરવા માટે પોતાના નજીકના મતદાન મથકે પહોંચ્યા હતા અને લોકશાહીના પર્વની ઉજવણીમાં ભાગ લીધો હતો. જામનગર જિલ્લાની પાંચ બેઠકો પર મતદાનના પ્રથમ ત્રણ કલાકમાં સરેરાશ 18 જેટલું મતદાન નોંધાયું છે.
જામનગર જિલ્લાની પાંચ બેઠકો માટે આજે સવારે આઠ વાગ્યાથી મતદાનનો પ્રારંભ થયો હતો. યુવાઓ, મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો સહિત તમામ વર્ગના લોકો સવારથી મતદાન માટે કતારબધ જોવા મળ્યા હતા. જામનગરની હાઇપ્રોફાઇલ 78-જામનગર ઉત્તરની બેઠકના ભાજપના ઉમેદવાર રિવાબા જાડેજા આજે વહેલી સવારે રાજકોટ પહોંચી જઇ ત્યાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ત્યારબાદ જામનગર પરત આવી ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર અને તેમના પતિ રવીન્દ્ર જાડેજા સાથે મંદિરે દર્શન કરી મતદાન મથકે પહોંચ્યા હતા જયાં રવીન્દ્ર જાડેજાએ મતદાન કર્યુ હતું. તો બીજી તરફ તેમના હરિફ કોંગ્રેસના બીપેન્દ્રસિંહ જાડેજાએ પણ પરિવાર સાથે મતદાન કર્યુ હતું. જયારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર કરશન કરમુરે પણ મતદાન કર્યુ હતું. તેવી જ રીતે 79-જામનગર દક્ષિણની બેઠકના ભાજપના ઉમેદવાર દિવ્યેશ અકબરીએ પણ સવારે મતદાન કર્યુ હતું. આ બેઠક પર કોંગ્રેસના મનોજ કથિરીયાએ પણ પોતાનો મત આપ્યો હતો. જામનગર ગ્રામ્યની બેઠક પર હાલના ધારાસભ્ય અને ઉમેદવાર રાઘવજી પટેલે મતદાન કરીને વિજયનો વિશ્ર્વાસ વ્યકત કર્યો હતો. તો સામે પક્ષે આમ આદમી પાર્ટીના પ્રકાશ દોંગાએ પણ મતદાન કર્યું હતુ અને પરિવર્તનનો વિશ્ર્વાસ દર્શાવ્યો હતો. આ ઉપરાંત જામજોધપુરની બેઠક પર ભાજપના ઉમેદવાર ચીમનભાઇ સાપરિયાએ પરિવાર સાથે મતદાન કરી તો લોકશાહીના પર્વની ઉજવણીમાં ભાગ લીધો હતો. તો સામે કોંગ્રેસના ચિરાગ કાલરીયાએ પણ પોતાનો વતન ગીંગણીમાં મતદાન કર્યુ હતું. કાલાવડની અનામત બેઠક પર ભાજપના ઉમેદવાર મેઘજીભાઇ ચાવડાએ પણ મતદાન મથકે પહોંચી મતદાન કર્યુ હતું
બીજી તરફ દ્વારકા જિલ્લાની બન્ને બેઠકો પર મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખંભાળિયાની બેઠક પર કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે રસપ્રદ મુકાબલો બન્યો છે. ત્યારે ભાજપના મૂળુભાઇ બેરાએ મતદાન કર્યુ હતું. આ બેઠક પર આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઇસુદાન ગઢવી પણ લડી રહયા છે. જયારે કોંગ્રેસ તરફથી દિગ્ગજ વિક્રમ માડમને ફરીથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. દ્વારકાની બેઠક પર પણ રસપ્રદ જંગના એંધાણ સાંપડી રહયા છે. ભાજપના ઉમેદવાર પબુભા માણેકે આજે સવારે મતદાન કર્યુ હતું. આ બેઠક ઉપર પણ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટકકર હોય મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્રયો છે. આમ હાલારની સાતેય બેઠક પર સવારથી જ લોકો ભારે ઉત્સાહપૂર્વક મતદાન કરી રહયા છે. વહિવટીતંત્ર દ્વારા પણ મતદાન માટેની ખૂબજ સુચારૂં અને સરળ વ્યવસ્થા કરવામાં આવી હોય મતદારોને કોઇ મુશ્કેલીનો સામનો કરવો પડયો નથી. તમામ મતદાન મથકો અને આજુબાજુના વિસ્તારોમાં પોલીસ અને પેરા મિલીટરી ફોર્સનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. શહેરી વિસ્તારોમાં સવારના ભાગમાં મતદારોમાં જબરો ઉત્સાહ જોવા મળ્યો હતો. જયારે ગ્રામ્ય વિસ્તારોમાં પ્રમાણમાં ધીમું મતદાન જોવા મળી રહયું છે.
જામનગર જિલ્લાની પાંચ બેઠકો પર મતદાનના પ્રથમ ત્રણ કલાકમાં સરેરાશ 18 ટકા જેટલું મતદાન નોંધાયું છે. જેમાં કાલાવડ 20.32 ટકા, જામનગરમાં ગ્રામ્યમાં 16.58, જામનગર ઉત્તરમાં 16.18, જામનગર દક્ષિણમાં 18.84 જયારે જામજોધપુરમાં 21.56 ટકા મતદાન નોંધાયું છે. આ સમયગાળા દરમ્યાન જિલ્લામાં કોઇપણ સ્થળેથી અનિચ્છનિય બનાવના અહેવાલો મળ્યા નથી. સાંજે પાંચ વાગ્યા સુધી મતદાન કરી શકાશે.