જામનગર લોકસભા વિસ્તારમાં જામનગર શહેર જિલ્લા ભાજપા દ્વારા મતદાતા ચેતના અભિયાન યોજાનાર છે. તા.25 અને તા.26 ઓગસ્ટના બે દિવસ દરમિયાન જામનગર જિલ્લા અને શહેરમાં સાંસદ, કેબિનેટ મંત્રી, ધારાસભ્ય, મેયર સહિતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા આગેવાનો આ ઝુંબેશમાં જોડાશે. આ અંગે જામનગર જિલ્લા ભાજપા કાર્યાલય ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં સાંસદ પૂનમબેન માડમે કાર્યક્રમની માહિતી આપી હતી.
જામનગરમાં જિલ્લા ભાજપ કાર્યાલય અટલ ભવન ખાતે લોકતંત્રને મજબૂત કરવા નવા યુવા મતદારોને મતદાર યાદીમાં મતદાન માટેનો અધિકારથી વંચિત ન રહે તે માટે જાગૃતિ મતદાતા ચેતના અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે.
આ મતદાતા ચેતના અભિયાનના આયોજન પૂર્વે ભાજપના જિલ્લા કાર્યાલય ખાતે સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય રિવાબા જાડેજા, મેયર બીનાબેન કોઠારી, જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા, જિલ્લા ભાજપ અધ્યક્ષ રમેશભાઈ મુંગરા, શહેર ભાજપ અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા ઉપરાંત ભાજપના જિલ્લા અને શહેરના મહામંત્રી પ્રકાશભાઈ બામણીયા, વિજયસિંહ જેઠવા, મેરામણભાઇ ભાટુ, દિલીપભાઈ ભોજાણી, અભિષેક પટવા, ડો વિનોદ ભંડેરી સહિત અગ્રણીઓની ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદમાં આ અભિયાન માટે માહિતી આપવામાં આવી હતી. આ તબક્કે જામનગર જિલ્લા ભાજપ મીડિયા કનવિંનર નરેન્દ્રસિંહ પરમાર, શહેર મીડિયા કનવિંનર ભાર્ગવ ઠાકર ઉપસ્થિત રહ્યા હતાં.
આગામી 25 અને 26 ચૂંટાયેલા પ્રતિનધિઓ અને સંગઠનના લોકો મતદાર યાદીમાં નોંધણી અને સુધારા માટે કાળજી પૂર્વક મતદાર જન જાગૃતિ અભિયાન એટલે કે , મતદાતા ચેતના અભિયાન અંતર્ગત ભાજપ દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવશે. નવા મતદારોને જોડવા માટેનું અભિયાન તા.25 થી તા.31 સુધી ચાલવાનું છે. જેના ભાગરૂપે વહીવટી તંત્ર તથા ચૂંટણી પંચ કામગીરી કરી રહ્યું છે. જેમાં ભાજપા પણ જોડાઈ ગયું છે. જેના ભાગરૂપે બુથ સુધીના કાર્યકર્તા, બુથપ્રમુખ બીએલએ ટુ થી લોકોને જિલ્લા/તાલુકા/પ્રદેશ અને રાષ્ટ્રીય કક્ષાએ સંગઠનના હોદ્ેદારો તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓ 25 ઓગસ્ટના રોજ આ અભિયાનની શરૂઆત કરાવશે.
આ પત્રકાર પરિષદમાં સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું હતું કે, સમગ્ર અભિયાન અંગે પ્રદેશ કક્ષાએ તથા મહાનગરમાં પ્રશિક્ષણ વર્ગ યોજાયો હતો. તેમજ ત્યારબાદ જિલ્લા અને મહાનગરોમાં બુથ સહિતના કાર્યકરોને પ્રશિક્ષીત કરવા પણ પ્રશિક્ષણ વર્ગ યોજાયો હતો. જેમાં મતદારયાદી ચકાસણી અને ઘર ઘર સંપર્ક કરી મતદાર યાદીમાં નામ ચડાવવા, કમી કરવા, નામ-સરનામા ફેરાવવા માટે ફોર્મ નંબર 6-7-8 વિશે વિસ્તૃત માહિતી આપી હતી. મતદાર યાદી વધુ સચોટ બને અને અદ્યતન બને તે માટે બી એલ ટુ બુથ પ્રમુખ સહિતના કાર્યકરો કામ કરશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 18 વર્ષ બાદ યુવાનોનો સૌ પ્રથમ અધિકાર એ મતાધિકાર છે. તેમનો આ અધિકાર મળે તે માટે મતદાર યાદીમાં નામ જોડવા માટે ભાજપ પણ તંત્રની સાથે અભિયાનમાં જોડાનાર છે. જે અંતર્ગત તા.25 અને તા.26 ના રોજ જામનગર લોકસભા વિસ્તારમાં મતદાતા ચેતના અભિયાન હાથ ધરવામાં આવશે. જેમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ, 18 વર્ષથી ઉપરના યુવાનોનો સંપર્ક કરી જનજાગૃત્તિ અભિયાન રૂપે તેમણે મતદાર યાદીમાં નામ ઉમેરવામાં મદદરૂપ થશે. આ ઉપરાંત કોઇપણ શહેરીજનને મતદાર યાદીમાં નામ-સરનામા ફેરવવા, નામ કમી કરવા સહિતની કામગીરીમાં મદદરૂપ થશે.