MCMC સેન્ટર ચૂંટણી પંચની માર્ગદર્શિકા પ્રમાણે પેઈડ ન્યૂઝ પર રાખે છે ચાંપતી નજર ગુજરાતના આંગણે લોકશાહીનું મહાપર્વ આવ્યું છે ત્યારે પેઈડ ન્યૂઝ અને જાહેરખબરો પર દેખરેખ રાખવા માટે જિલ્લા માહિતી કચેરી, જિલ્લા સેવા સદન-2 જામનગર ખાતે મીડિયા સેન્ટર ઉભુ કરવામાં આવ્યું છે.
જેની અધિક નિવાસી કલેક્ટર બી.એન.ખેર તથા જિલ્લા નાયબ ચૂંટણી અધિકારી કલ્પના ગઢવીએ મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરીંગ કમિટી એટલે કે MCMC સેન્ટરની મુલાકાત લીધી હતી. આ મુલાકાતમાં અધિકારીઓએ ઈલેક્ટ્રોનિક મીડિયા, પ્રિન્ટ મીડિયા, ટી.વી.ચેનલ, કેબલ નેટવર્ક, ઓડિયો વિઝ્યુઅલ, ડિસ્પ્લે પર પ્રસિદ્ધ થતી રાજકીય જાહેરખબરોનું પૂર્વ-પ્રમાણીકરણ, અને મોનીટરીંગ વગેરે બાબતો વિશે માર્ગદર્શન પુરું પાડી જરૂરી સૂચનો કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં રાજકીય પક્ષો કે દરેક ઉમેદવારો દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતી રાજકીય જાહેરખબરોના આગોતરા પ્રમાણિકરણ અને મીડિયા પ્રમાણીકરણ અને દેખરેખ સમિતીની રચના કરવામાં આવે છે. ચૂંટણી પંચની માર્ગદર્શિકા પ્રમાણે ઉપરોક્ત કમિટી કામગીરીની તૈયારીઓ વિશે અધિક કલેક્ટર તથા નાયબ ચૂંટણી અધિકારીએ બારીકાઈથી વિગતો મેળવી હતી. આ મુલાકાતમાં જિલ્લા ચૂંટણી અધિકારીને મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરીંગ કમિટી(MCMC) દ્વારા થયેલ કાર્યો અને કરવામાં આવતી કામગીરી વિશે ઈન્ચાર્જ નાયબ માહિતી નિયામક એચ.પી.ગોઝારીયા વગેરેએ માહિતગાર કર્યા હતા.