વાંકાનેર ખાતે સેંકડો એકર જગ્યામાં ભવ્ય એવા ‘રામધામ’નું નિર્માણ થનાર છે. ત્યારે રામધામ મંદિર સમિતિના હોદ્દેદારો, કાર્યકરોએ ખંભાળિયાના રઘુવંશી જ્ઞાતિજનોની ખાસ મુલાકાત લીધી હતી.
રામધામ સમિતિના વિનુભાઈ કટારીયા, ગીરીશભાઈ કાનાબાર, પ્રવીણભાઈ ખંધોળિયા, નિલેશભાઈ ખખ્ખર, જગદીશભાઈ સેતા, કિશોરભાઈ હીરાની અને અશ્વિનભાઈ કોટકની ટીમએ ખંભાળિયામાં નવી લોહાણા મહાજન વાડી ખાતે રઘુવંશી જ્ઞાતિના હોદ્દેદારો, કાર્યકરો તેમજ ટ્રસ્ટીઓ સાથે ખાસ બેઠક યોજી હતી.
કરોડો રૂપિયાના ખર્ચે હજારો ફૂટ વિશાળ જગ્યામાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામના નિર્માણ થનાર મંદિર સંદર્ભે ઉપસ્થિત મહેમાનોએ સવિસ્તૃત માહિતી આપી હતી. મીની અયોધ્યાના મંદિર જેવી ઝાંખી થાય તે માટેના પ્રયાસ તેમજ રઘુવંશી જ્ઞાતિની એકતા અને સંગઠન સહિતના શુભ આશયથી યોજાયેલી આ મિટિંગમાં ખંભાળિયા લોહાણા મહાજનના ટ્રસ્ટી કમલેશભાઈ વિઠલાણી, દિનેશભાઈ દત્તાણી, પ્રતાપભાઈ દત્તાણીના વડપણ હેઠળ જ્ઞાતિના અગ્રણી, કાર્યકરો, હોદ્દેદારો તેમજ વેપારીઓ આ બેઠકમાં જોડાયા હતા.
રામધામને ફક્ત તીર્થ સ્થળ જ નહીં, પરંતુ આ સાથે જ્ઞાતિમાં ઉચ્ચ શિક્ષણ તેમજ ક્લાસ વન ઓફિસરની ડિગ્રી ધરાવતા યુવાનોમાં વધારો થાય તે માટે પણ જરૂરી પગલાં લેવાનું પણ નક્કી કરાયું છે.
રામધામના નિર્માણ માટે ખંભાળિયાના તમામ રઘુવંશી જ્ઞાતિજનો દ્વારા તન, મન અને ધનથી સહયોગ આપવામાં આવશે તેવા સુર સાથે આ બેઠકમાં અહીંના જ્ઞાતિજનોના સહયોગથી આગેવાનો દ્વારા મંદિર માટેની જગ્યા સહિતનો સહકાર આપવામાં આવશે એમ પણ જણાવ્યું હતું.
આ બેઠકમાં ઉત્સવ મજીઠીયા, અનિલભાઈ તન્ના, જગુભાઈ રાયચુરા યોગેશભાઈ મોટાણી, સુધીરભાઈ પોપટ, કિશોરભાઈ દત્તાણી, મનુઅદા સોમૈયા, કૌશિક બારાઈ, સહીતના આગેવાનો, યુવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન દિલીપભાઈ વીઠલાણીએ કર્યું હતું.