સુરત પોલીસ દ્વારા એમ્બ્યુલન્સમાં લઇ જવાતી રૂા.27.80 લાખની રૂપિયા 2000 ના દરની બનાવટી ચલણી નોટોનો મોટો જથ્થો ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતાં આ પગેરૂ જામનગર જિલ્લાના કાલાવડ પંથક સુધી લંબાયું હતું.ે જેના આધારે સુરત પોલીસે મોટા વડાળા ગામમાં મગફળીના ભૂકકા નીચે સંતાડેલો રૂા.2000 ના દરની ચલણી નોટો ભરેલી 15 પેટી અને ચાર ખાલી પેટી મળી આવતા કબ્જે કરી કાર્યવાહી આરંભી છે.
આ અંગેની વિગત મુજબ, મૂળ કાલાવડ તાલુકાના મોટા વડાળાના વતની હિતેશ કોટડીયા ખાનગી ટ્રસ્ટના નામની એમ્બ્યુલન્સ ધરાવે છે. જે એમ્બ્યુલન્સમાં રાજકોટથી રૂપિયા 2000 ના દરની બનાવટી ચલણી નોટોનો જથ્થો ભરીને સુરત લઇ જતા સમયે સુરત પોલીસે ઝડપી લઇ રૂા.27.80 લાખની કિંમતની 2000 ના દરની ડુપ્લીકેટ ચલણી નોટોનો જથ્થો કબ્જે કરી લીધો હતો તેમજ આ નોટો ઉપર રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયાને બદલે રિવર્સ બેંક ઓફ ઈન્ડીયા પ્રસિધ્ધ કરેલું છે.
પોલીસે હિતેશ કોટડિયાની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવતા ઉપરોકત ચલણી નોટો ફિલ્મમાં દર્શાવવા માટે વાપરતો હોવાનું જણાવ્યું હતું. જેનો વધુ જથ્થો જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામમાં પોતાની વાડીમાં સંતાડેલો હોવાનો જણાવ્યું હતું. જેથી સુરતની પોલીસ ટુકડી કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામમાં હિતેશ કોટડિયાની વાડીમાં તપાસ કરતાં મગફળીના ભુકકાની 19 જેટલી પેટીઓ સંતાડી હતી. જે તમામ પેટીઓને બહાર કાઢી હતી.
જેમાં ચાર પેટી ખાલી નીકળી હતી. પરંતુ 15 પેટીમાં 2000 ના દરની ચલણી નોટોનો મોટો જથ્થો મળી આવ્યો હતો. જે સુરત પોલીસ દ્વારા કબ્જે કરવામાં આવ્યો છે અને તેની ગણતરી ચાલી રહી છે. આ સમગ્ર કાર્યવાહીમાં કાલાવડ પોલીસ પણ જોડાઈ હતી.