ગુજરાતમાં લોકસભા 2024ની ચૂંટણી નજીક છે ત્યારે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના નિવેદનને લઈને માહોલ ગરમાયો છે. જો કે રૂપાલાએ પોતાના નિવેદન પર બે-બે વખત હાથ જોડીને માફી પણ માગી છે તેમ છતાં ક્ષત્રિય સમાજમાં વિરોધ યથાવત છે અને રૂપાલાની ટિકિટ રદ થાય તેવી માગ કરી રહ્યા છે.
લોકસભા ચૂંટણી 2024માં રાજકોટની બેઠક ભાજપ માટે જાણે માથાનો દુ:ખાવો બની ગઈ છે તેમ અહીંના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલા માટે તેણે વારંવાર બચાવ કરવો પડી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે ક્ષત્રિયો વિરુદ્ધ ટિપ્પણી કર્યા બાદથી ભાજપ તેમના માટે ડેમેજ ક્ધટ્રોલની સ્થિતિમાં છે. જ્યારે ક્ષત્રિયો રૂપાલાની ટિકિટ રદ કરવાની માગણી કરી રહ્યા છે. આ દરમિયાન ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ભાજપ વતી રૂપાલાના સમર્થનમાં મેદાનમાં ઊતરી આવ્યા છે.
રૂપાલા વિવાદ અંગે ટિપ્પણી કરતાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે ક્ષત્રિય સમાજ હંમેશાથી માફી આપનારો સમાજ રહ્યો છે. પરશોત્તમ રૂપાલાએ તેમની ટિપ્પણી બદલ બે વખત માફી માગી છે. મારું એવું માનવું છે કે ક્ષત્રિય સમાજ મન મોટું રાખી રૂપાલાને ચોક્કસ માફ કરશે. બીજી તરફ રાજકોટમાં આજે સાંજે ક્ષત્રિયોની મહારેલી માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે. ક્ષત્રિયાણીઓએ જૌહર કરવાની ચિમકી આપી છે. રાજકોટમાં આજે ક્ષત્રિય સમાજની કોર કમિટીની બેઠક મળી રહી છે તેમાં અંતિમ નિર્ણય કરવામાં આવશે.