Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરપીજીવીસીએલ દ્વારા સતત બીજા દિવસે શહેરના વિવિધ વિસ્તારોમાં વિજ ચેકિંગ

પીજીવીસીએલ દ્વારા સતત બીજા દિવસે શહેરના વિવિધ વિસ્તારોમાં વિજ ચેકિંગ

આજે 37 ટીમો દ્વારા બેડી, ધરારનગર સહિતના વિસ્તારોમાં વિજ ચેકિંગ : પીજીવીસીએલ દ્વારા ગઇકાલે જામનગરમાં વીજચોરી બદલ 41.27 લાખના વીજપૂરવણી બીલ અપાયા : 80 વીજજોડાણોમાં ગેરરીતિ ઝડપાઇ

- Advertisement -

પીજીવીસીએલ દ્વારા આજરોજ સતત બીજા દિવસે જામનગર શહેરના વિવિધ વિસ્તારોમાં વિજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વિજચોરીને ડામવા વિજ તંત્ર દ્વારા સતત બે દિવસથી વિવિધ વિસ્તારોને ધમરોળવામાં આવી રહ્યાં છે. આજે બેડી, ધરારનગર, ટીટોડીવાડી સહિતના વિસ્તારોમાં પીજીવીસીએલની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતાં. ગઇકાલે પણ જામનગરમાં વિવિધ વિસ્તારોમાં વીજચોરી અંગે દરોડા પાડવામાં આવ્યા હતાં. જેમાં કુલ 80 વીજજોડાણોમાં ગેરરીતિ ઝડપાતા 41.27 લાખના વીજ પૂરવણી બીલ ફટકારવામાં આવ્યાં હતાં.

- Advertisement -

જામનગરમાં પીજીવીસીએલની વિવિધ વિભાગીય ટીમ દ્વારા છેલ્લા બે દિવસથી વિજ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જામનગર શહેર જિલ્લામાં થતી વિજચોરી અટકાવવા ફરી એક વખત વિજતંત્ર દ્વારા કોર્પોરેટ ચેકિંગ ડ્રાઇવ યોજાઇ રહી છે. આજે સતત બીજા દિવસે પીજીવીસીએલની પટેલ કોલોની, સાત રસ્તા, દરબારગઢ પેટા કચેરીઓ દ્વારા જામનગર શહેરના બેડી, ધરારનગર, ટીટોડીવાડી, વામ્બે આવાસ, વુલનમિલ રોડ સહિતના વિસ્તારોમાં વિજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પીજીવીસીએલની 37 ટીમ 14 એસઆરપી જવાન, 23 લોકલ પોલીસ સહિતના કાફલા સાથે વિવિધ વિસ્તારોમાં વિજ ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પીજીવીસીએલના વિવિધ સબ ડિવિઝન દ્વારા ગઈકાલે વીજચોરીનું ચેકિંગ હાથ ધરવામાં આવતાં વીજચોરોમાં ફફડાટ ફેલાયો હતો. ગઇકાલે ખંભાળિયા ગેઇટ ડિવિઝન, નગરસીમ એસડીએન ઓફ સીટી-2 ડિવિઝન હેઠળના વિવિધ વિસ્તારો જેવા કે, નાગરપરા, કિસાનચોક, કાલાવડ નાકા બહાર, શંકરટેકરી, 49-દિગ્જિય પ્લોટ સહિતના વિસ્તારોમાં વીજચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ વીજચેકીંગ દરમિયાન 457 જેટલા વીજજોડાણોમાં ચેકીંગ કરવામાં આવ્યું હતું. તે પૈકી 80 વીજજોડાણોમાં ગેરરીતિ જોવા મળતા 41.27 લાખના વીજપૂરવણી બીલ ફટકારાયા હતાં. આ વીજચેકીંગમાં કુલ 33 ટીમો જોડાઇ હતી. એસઆરપીના 13 જવાનો, 20 લોકલ પોલીસ સહિતના અધિકારીઓ-કર્મચારીઓની ટીમ દ્વારા વીજ ચેકીંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular