દેશના વડાપ્રધાન આગામી દિવસોમાં જામનગર સહિત સૌરાષ્ટ્રના પ્રવાસે આવનાર છે અને અનેક વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સહિતના કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. ત્યારે જામનગરમાં પ્રદર્શન મેદાન ખાતે યોજાનારી સભાની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. જેના પગલે બોમ્બ સ્કવોર્ડ દ્વારા આ સભાસ્થળનું અવાર-નવાર ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.
જામનગર શહેરમાં સોમવારે તા.10 ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાહેર સભાને સંબોધિત કરવાના છે. જેની તૈયારી પ્રદર્શન મેદાન ખાતે કરવામાં આવી રહી છે. જેમાં ડોમ બનાવવામાં આવી રહ્યો છે અને વડાપ્રધાનની સુરક્ષાને લઇને વહીવટી તંત્ર છેલ્લાં એક સપ્તાહથી કામે લાગી ગયું છે. વડાપ્રધાનના આગમન પૂર્વે પ્રભારી સચિવ અનુપમ આનંદ દ્વારા અધિકારીઓ સાથે જુદાં-જુદાં વિભાગો દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાઓનું નિરીક્ષણ અને સમીક્ષા કરી અધિકારીઓ સાથે ચર્ચા-વિચારણા કરી હતી તેમજ આ તૈયારીમાં કોઇ પણ પ્રકારની ક્ષતિ ન રહે તેની ખાસ તકેદારી રાખવા અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. આ સભાસ્થળની બોમ્બ સ્કવોર્ડ દ્વારા ચેકીંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.