ગણપતીના આગમન પહેલાં લગભગ દુષ્કાળ જેવી સ્થિતિનો સામનો કરી રહેલાં જામનગર જિલ્લામાં વિધ્નહર્તાના આગમન બાદ જાણે તમામ વિધ્નો દૂર થયા હોય તેમ રેકોર્ડ બે્રક વરસાદ વરસ્યો છે. ચોમાસાના અંતિમ માસ ગણાતા સપ્ટેમ્બરમાં ઐતિહાસિક મોસમનો 98 ટકા વરસાદ વરસ્યો છે. જે છેલ્લાં કેટલાંક દાયકાઓમાં સપ્ટેમ્બરમાં વરસેલો સૌથી વધુ વરસાદ છે.
સપ્ટેમ્બરના પ્રારંભે એટલે કે, એક સપ્ટેમ્બરે જામનગર જિલ્લામાં સરેરાશ વરસાદ 42.89 ટકા હતો એટલે કે, ચોમાસાના વરસાદની 57 ટકા જેટલી ખાધ પ્રવર્તી રહી હતી.જિલ્લામાં અપૂરતા વરસાદને કારણે દૂષ્કાળના ડાકલા વાગવા લાગ્યા હતાં. કૃષિને લઇને ખેડૂતો પણ ચિંતત બન્યા હતાં. પરંતુ નિયતિને કઇક અલગ જ મંજૂર હોય તેમ વિધ્નહર્તા ગણપતિના આગમન સાથે જ વરૂણદેવે પણ કૃપા વરસાવવાનું શરૂ કર્યું હતું. માત્ર એક મહિનામાં એટલી કૃપા વરસી કે, મોસમનો કુલ વરસાદ 42.89 ટકાથી કુદકો મારીને 30 સપ્ટેમ્બરે 139 ટકાએ પહોંચી ગયો. આમ માત્ર એક મહિનામાં જામનગર જિલ્લામાં રેકોર્ડ બે્રક મોસમનો 98 ટકા જેટલો વરસાદ વરસ્યો છે.
અત્રે એ ઉલ્લેખનિય છે કે, જામનગર જિલ્લામાં મોસમના કુલ વરસાદની લાંબાગાળાની સરેરાશ 677 મીમી છે. જે સામે અત્યાર સુધીમાં જિલ્લામાં સરેરાશ 938 મીમી વરસાદ વરસી ચૂકયો છે. જે પૈકી 648 મીમી વરસાદ એકલા સપ્ટેમ્બર માસમાં જ વરસ્યો છે. જે છેલ્લાં કેટલાંક દાયકાઓનો ઐતિહાસિક વરસાદ છે. તાલુકા વાઇસ વરસાદની સ્થિતિ જોઇએ તો કાલાવડ તાલુકામાં સૌથી વધુ 215 ટકા વરસાદ નોધાયો છે. ત્યારબાદ ધ્રોલમાં 150 ટકા, જોડિયા 143 ટકા, જામજોધપુર 116 ટકા, લાલપુર 111 ટકા, જયારે જામનગરમાં 107 ટકા વરસાદ નોંધાય ચુકયો છે. આમ તો, છેલ્લાં બે વર્ષથી જામનગર જિલ્લામાં ભરપુર વરસાદ રહ્યો છે. 2019માં 200 ટકા જયારે 2020માં સરેરાશ 192 ટકા વરસાદ નોંધાયો હતો. હવે 2021માં પણ આ ટકાવારી 140 ટકાએ પહોંચી ગઇ છે. જો કે,હવે લગભગ ચોમાસું પુરૂ થયું હોવાનું માનવામાં આવે છે. છતાં પણ નવરાત્રી સુધી છુટાં છવાયા વરસાદની સંભાવનાઓને ધ્યાનમાં લેતાં આ વર્ષે પણ જિલ્લાની સરેરાશ 150 ટકાએ પહોંચી જવાની સંભાવનાઓ જોવાઇ રહી છે.