જામનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી આગામી 21 ફેબ્રુઆરીના રોજ યોજાનાર છે. આ ચૂંટણી પ્રક્રિયા માટે શનિવારે ઉમેદવારી પત્રો ભરવાના અંતિમ દિવસે માટે ઉમેદવારી પત્ર રજૂ કરવાના શનિવારે છેલ્લાં દિવસના અંતે કુલ 351 ઉમેદવારોએ 427 ફોર્મ રજૂ થયા હતાં. ફોર્મની ચકાસણી પ્રક્રિયા આજે તા.8 ને સોમવારે હાથ ધરવામાં આવશે. અને તા.9 ને મંગળવારે ફોર્મ પાછા ખેંચી શકાશે. ત્યાર પછી ચિત્ર સ્પષ્ટ થશે.
રાજ્યમાં 6 મહાનગરપાલિકાની ચૂંટણી માટેનો કાર્યક્રમ જાહેર થયા પછી ગત સોમવારે ઉમેદવારી પત્રો ભરવાનું શરૂ થયું હતું. જામનગર શહેરમાં કુલ 16 વોર્ડની 64 બેઠકો માટે તા.6 ના રોજ ઉમેદવારી પત્રો ભરવાના અંતિમ દિવસે કુલ 351 ઉમેદવારો દ્વારા 427 ફોર્મ રજૂ કરવામાં આવ્યા છે અને આ કાર્યવાહીમાં સોમવારે ફોર્મ ચકાસણી કરાશે અને મંગળવારે પરત ખેંચવાનો દિવસ છે. જેથી ત્યારબાદ જ આ 16 વોર્ડના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ શકશે.
આ વર્ષે જામનગર મહાનગરપાલિકાના 16 વોર્ડની 64 બેઠકો માટે ઉમેદવારી પત્રકો ભરવાના અંતિમ દિવસની પરિસ્થિતિમાં સતાધારી પક્ષ ભાજપા દ્વારા 64, કોંગ્રેસ દ્વારા 63, આમ આદમી પાર્ટી દ્વારા 55, બહુજન સમાજ પાર્ટી દ્વારા 23 અને નેશનલ કોંગ્રેસ પાર્ટી(એનસીપી) દ્વારા 12 ઉમેદવારોને મેદાનમાં ઉતારાયા છે. જો કે, આ ઉમેદવારી પત્રો ભરાયા તે પૂવે ભાજપામાં ટિકિટ ફાળવણી વખતે અનેક વોર્ડમાં અસંતોષ જોવા મળ્યો હતો. ત્યારે સામા પક્ષે કોંગ્રેસમાં ઉમેદવારોની શોધખોળ માટે ભારે મહેનત કરવી પડી હતી. તેમ છતાં એક વોર્ડમાં એક ઉમેદવાર સમયના કારણે પોતાનું ઉમેદવારી પત્ર રજૂ ન કરી શકતા કોંગ્રેસના હવે 63 ઉમેદવારો જ મેદાનમાં રહેશે.
દર વખતની જેમ આ વખતે મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપા માટે ફરીથી સત્તા મેળવવી સહેલી નથી કેમ કે આ વખતે કોંગ્રેસની સાથે-સાથે આમ આદમી પાર્ટી અને એનસીપી તથા બીએસપી એ પણ તેમના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. જેના કારણે કોર્પોરેશનની આ વખતની ચૂંટણીમાં જંગ ખરાખરીનો રહેવાની શકયતા છે. તેમાં પણ ખાસ કરીને ભાજપામાંથી ટિકિટ અપાયેલા ઉમેદવારોએ અન્ય પક્ષમાં જોડાઈને પોતાની દાવેદારી નોંધાવી છે. જે નુકસાન કરશે કે ફાયદો ? તે સમય બતાવશે. આ વખતની ચૂંટણીમાં પ્રથમ વખતે આમ આદમી પાર્ટીએ તેમના 55 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે જે પરિણામ ફેરવી શકે તેવી સ્થિતિ નિર્માણ કરી શકે છે. અપક્ષ ઉમેદવારો પણ ચોકકસ મત ખેડવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. ભાજપા, કોંગ્રેસ સહિતના પક્ષના ઉમેદવારો દ્વારા વોર્ડમાં જે કોઇ અપક્ષ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે તેવા ઉમેદવારોને મનાવવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે અને રાજકીય પક્ષો તેના માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. અપક્ષોની ઉમેદવારી પરત ખેંચવા માટેના પ્રયત્ન થઇ રહ્યા છે. સાથોસાથ ઉમેદવારોના ફોર્મ ચકાસવાની પ્રક્રિયા પૂર્ણ થયા પછી કેટલાં ફોર્મ માન્ય રહે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે.