ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે એક ખાનગી કંપની વિસ્તારમાં કમ્પાઉન્ડ વોલનું બાંધકામ કરવામાં અડચણરૂપ નહીં થવા બદલ તાજેતરમાં ચૂંટાયેલા મહિલા સરપંચ તથા તેણીના તબીબ પતિને આજરોજ રૂપિયા દોઢ લાખની લાંચ લેતા રાજકોટ ખાતેથી એસીબી વિભાગે દબોચી લીધા હતા. રાજકોટની સેસન્સ અદાલતે આ દંપતિના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
આ સમગ્ર પ્રકરણની એ.સી.બી. સુત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયા- જામનગર માર્ગ પર આવેલી આઈ.ઓ.સી. લિમિટેડ કંપનીમાં બાઉન્ડ્રી વોલનું બાંધકામ તથા સાઈટ ડેવલપમેન્ટ કરવા માટે એક કોન્ટ્રાક્ટરને કામ મળ્યું હતું. આ કામ કરવા માટે અડચણરૂપ નહીં થવા બદલ વાડીનાર ગ્રામ પંચાયતના તાજેતરમાં જ ચૂંટાઈને આવેલા મહિલા સરપંચ હુશેનાબાનુ અબ્બાસભાઈ સંઘારના પતિ ડો. અબ્બાસ ઈબ્રાહીમભાઈ સંઘાર દ્વારા કોન્ટ્રાક્ટર પાસેથી રૂપિયા ચાર લાખ રોકડા ઉપરાંત ઘરવખરીનો સામાન, 3 મોબાઈલ તથા બે આઈ-ફોન મોબાઇલની માગણી કરી હતી. જે પૈકી ઘરવખરીનો સામાન તથા સેમસંગ કંપનીના બે સ્માર્ટફોન અને એક નોકિયા કંપનીનો ફોન મળી ત્રણ ફોન ઉપરાંત રૂપિયા 50 હજાર રોકડા ફરિયાદી કોન્ટ્રાકટર તથા અન્ય સાહેદ વ્યક્તિઓ દ્વારા આપી દેવામાં આવ્યા હતા.
જ્યારે બાકીની રકમ રૂપિયા સાડા ત્રણ લાખ તેમજ બે નંગ આઈ-ફોનના રૂપિયા દોઢ લાખ રોકડા બે દિવસ પૂર્વે રાજકોટ ખાતે રોકડા આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ સમગ્ર પ્રકરણ અંગે જાગૃત બની ફરિયાદી દ્વારા એ.સી.બી. વિભાગનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જે અંગેની ફરિયાદના આધારે રાજકોટ શહેર એસીબી વિભાગ દ્વારા લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું.
અગાઉ નક્કી થયા મુજબ ફરિયાદી દ્વારા મહિલા સરપંચ તથા તેમના પતિ સાથે આ બાબતની વાત કરી, રાજકોટમાં લીમડાચોક ખાતે આવેલી સરોવર પોર્ટિકો હોટલ ખાતે મંગળવારે સરપંચ વતી તેણીના પતિ ડોક્ટર અબ્બાસ સંઘારને રૂપિયા દોઢ લાખ રોકડની રકમ આપવામાં આવતા તુરત જ એસીબી પોલીસ પ્રગટ થઈ હતી અને તેને લાંચની રકમ સ્વીકારતા ઝડપી લીધો હતો.
રાજકોટ શહેર એસીબી વિભાગના ટ્રેકિંગ અધિકારી પી.આઈ. મયુરધ્વજસિંહ એમ. સરવૈયા દ્વારા સુપરવિઝન અધિકારી એ.પી. જાડેજા દ્વારા સમગ્ર કાર્યવાહી કરી, ઉપરોક્ત દંપતીની અટકાયત કરી હતી. આ પ્રકરણ આગળની તપાસ જામનગર એ.સી.બી. પી.આઈ. તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઇન્ચાર્જ એ.ડી. પરમારને સોંપવામાં આવી છે.
આના અનુસંધાને રાજકોટ એ.સી.બી. પોલીસ મથકમાં ભ્રષ્ટાચાર નિયંત્રણ અધિનિયમ એક્ટ મુજબ ડોક્ટર અબ્બાસ સંઘાર (ઉ.વ. 35) તથા તેમના સરપંચ પત્ની હુશેનાબાનુ સંઘાર (ઉ.વ. 30) સામે ગુનો નોંધાયા બાદ આ સંદર્ભે તપાસનીસ અધિકારી જામનગર એકમના પી.આઈ. એ.ડી. પરમાર દ્વારા ઉપરોક્ત દંપતીને રાજકોટની અદાલતમાં રજૂ કરી, રિમાન્ડની માંગણી કરતા રાજકોટની સેશન્સ અદાલતે બંનેના તારીખ 29 મી જાન્યુઆરી સવારે 11 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.
ખંભાળિયા તાલુકાના વાડીનાર વિસ્તારમાં ખાનગી કંપની તથા કોન્ટ્રાક્ટરો મોટી સંખ્યામાં આવેલા હોય, હોદ્દાનો દુરુપયોગ કરી તોતિંગ લાંચ લેવામાં આવતા આ સમગ્ર બાબતે ભારે ચકચાર જગાવી છે.