જામનગર શહેરના જુદાજુદા વિસ્તારોમાં રખડતા અને ખાનગી માલિકીના અબોલ પશુઓમાં લમ્પી વાઇરસ ફેલાતા આ રોગને કારણે પશુઓની તબિયત લથડતી જતી હતી અને આ રોગમાં અસંખ્ય પશુઓના મોત નીપજયાની ઘટના પણ બની રહી છે.
કોર્પોરેટર રચના નંદાણીયા દ્વારા શહેરમાં પશુઓમાં ફેલાયેલા લમ્પી વાઇરસ સંદર્ભે ધરણા અને આવેદન પત્ર તથા ઉગ્ર રજુઆતો કરવામાં આવી હતી. આ રજુઆતો બાદ જામનગર મહાનગર પાલિકા અને જીલ્લા પંચાયત તંત્ર સફાળું જાગી ગયું હતું અને ઇન્ચાર્જ મ્યુનીસીપલ કમિશનર અને કલેકટર ડો. સૌરભ પારઘીની સુચનાથી સોલીડ વેસ્ટ શાખા અને જીલ્લા પંચાયતની શાખા દ્વારા શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં રખડતા તેમજ ખાનગી માલિકોના પશુઓને રસીકરણ કરવાની પાંચ દિવસની ઝુંબેશ હાથધરવામાં આવી રહી છે. આ રસીકરણ ઝુંબેશ અંતર્ગત ત્રણ ટીમો બનાવવામાં આવી છે. જેમાં એક ટીમ રણજીત સાગર રોડ પર આવેલા મહાપાલિકાના ઢોર ડબ્બામાં તથા બીજી ટીમ નવાગામ ઘેડ, ભીમવાસ, રામેશ્વરનગર અને ત્રીજી ટીમ ભીડભંજન મંદિર, ખંભાળિયા નાકા બહાર, પંચેશ્વર ટાવર રોડ પરના વિસ્તારોમાં પશુઓને રસીકરણ કરશે તેમજ બીજી વખત ન થાય તે માટે રસીકરણ બાદ પશુઓને લાલ કલરનું નિશાન કરવામાં આવશે.