જિલ્લામાં ગાયોમાં જોવા મળી રહેલ લમ્પી રોગને નિયંત્રણમાં લાવવા જિલ્લા પંચાયત તથા જામનગર મહાનગરપાલિકા દ્વારા અસરકારક કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.તમામ તાલુકાઓ તથા શહેરી વિસ્તારમાં આ રોગ પર સત્વરે નિયંત્રણ લાવી શકાય તે હેતુથી તમામ અસરગ્રસ્ત પશુઓમાં પુરજોશમાં રસીકરણની કામગીરી શરૂ કરવામાં આવી છે.પશુઓમાં આ રોગના લક્ષણો જણાય તો તાત્કાલિક 1962 હેલ્પલાઈન, જિલ્લા પશુ દવાખાનું અથવા નીમવામાં આવેલ નોડલ ઓફિસરનો સંપર્ક કરવા પણ પશુપાલકોને અનુરોધ કરાયો છે. જામનગર જિલ્લાના ઘણા વિસ્તારોમાં ગાયોમાં હાલમાં લમ્પી સ્કીન ડીસીઝ (LSD) નામનો ચેપી રોગચાળો જોવા મળેલ છે. આ રોગ કેપ્રી પોક્ષ નામના વાઇરસથી થાય છે. જે વાઇરસ માખી, મચ્છર તેમજ પશુઓના શરીર પર જોવા મળતા જુ તથા ઇતરડીથી ફેલાય છે. વધુમાં આ રોગ પશુઓના સીધા સંપર્કથી પણ ફેલાય છે.
રોગના લક્ષણો
રોગના વાઈરસ પશુના શરીરમાં દાખલ થયાના એક અઠવાડિયાની અંદર આ રોગના ચિન્હો જોવા મળે છે જેમ કે, પશુને તાવ આવે છે, પશુ ખાવાનું ઓછું કરે છે અથવા તો સંપૂર્ણ બંધ કરી દે છે, ચામડી પર ફોડલા જેવા ગઠ્ઠા થાય છે, પશુઓની દૂધ ઉત્પાદન ક્ષમતા પર માઠી અસર થાય છે, રોગીષ્ટ પશુઓ પોતાના શરીરની રોગપ્રતિકારક શક્તિ ને લીધે આપોઆપ 2 થી 3 અઠવાડિયામાં સાજુ થઇ જાય છે, રોગચાળો ફ્લાવાનો દર માત્ર 10 થી 20 ટકા છે. જ્યારે મૃત્યુ દર ખુબજ ઓછો 1 થી 2 ટકા છે, ખાસ નોંધનીય બાબત એ છે કે આ રોગ પશુઓમાંથી મનુષ્યમાં ફેલાતો નથી.
રોગચાળાને કાબુમાં લેવાના પગલે
આ રોગચાળાને કાબુમાં લેવા માટે બીમાર પશુઓને બીજા તંદુરસ્ત પશુઓથી તાત્કાલિક અલગ કરવા. પશુઓની રહેઠાણની જગ્યા સ્વચ્છ રાખવી જેથી માખી અને મચ્છરનો ઉપદ્રવ અટકાવી શકાય. આ રોગ તંદુરસ્ત પશુઓમાં ન આવે એટલા માટે તંદુરસ્ત પશુઓમાં રસીકરણ કરવું. જામનગર શહેરમાં સૌ પ્રથમ આ રોગ ગાંધીનગર, રામેશ્ર્વર નગર અને નવાગામ ઘેડ વિસ્તારમાં જોવા મળેલ. જિલ્લા પંચાયત, જામનગરની પશુપાલન વિભાગની ટીમ દ્વારા ગત તા. 03-05-2022નાં રોજ આ વિસ્તારની-મુલાકાત લઈને રોગગ્રસ્ત 28 પશુઓની સારવાર કરવામાં આવેલ. તેમજ ચોક્કસ નીદાન માટે જરૂરી 21 સેમ્પલ લઈ અમદાવાદની પશુપાલન ખાતાની લેબોરેટરી ખાતે મોકલવામાં આવેલ.તેમજ પશુઓમાં જરૂરી રસીકરણ સત્વરે ઉપલબ્ધ કરાવી તા.6-5-2022થી આ અસરગ્રસ્ત વિસ્તારમાં પશુપાલકોના ઘરે ઘરે જઈને તંદુરસ્ત પશુઓને આ રોગ વિરોધી રસીકરણ કામગીરી હાથ ધરવામાં આવેલ. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં તા.3 મે 2022થી તા.31 મે 2022 સુધીમાં કુલ 237 કેસ નોંધાયેલ છે. તેમજ કુલ પ008 પશુઓને રસીકરણ કરવામાં આવેલ છે.જેમાં મહાનગરપાલિકાના સહયોગથી તા.28 થી 31 મે 2022 દરમ્યાન 1566 બિનવારસુ પશુઓને થયેલ રસીકરણ સામેલ છે. ધ્રોલ તાલુકામાં ધ્રોલ અને લતીપુર ગામે 23 મે 2022ના રોજ પ્રથમ કેસ નોંધાયેલ. જયારે આજદિન સુધી કુલ 72 કેસ નોંધાયેલ છે. જે અન્વયે 533 પશુઓને રસીકરણ થયેલ છે. કાલાવડ તાલુકામાં ગત તા.29 મે 2022ના રોજ પ્રભુજી પીપળીયા ગામે પ્રથમ કેસ નોંધાયેલ. જે અન્વયે કુલ 8 પશુઓને સારવાર અપાયેલ છે અને કુલ 102 પશુઓને રસીકરણ કરેલ છે. જોડિયા તાલુકામાં 17 મે 2022ના રોજ પ્રથમ કેસ નોંધાયેલ. આજ સુધીમાં કુલ 26 પશુઓને આ બાબતે સારવાર થયેલ છે અને 645 પશુઓને રસીકરણ કરવામાં આવેલ છે. આમ જામનગર જિલ્લામાં ચાર તાલુકામાં કુલ 343 કેસ નોંધાયેલ છે અને 6288 પશુઓને રસીકરણ થયેલ છે. આ અંગે જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલે જણાવ્યું છે કે જ્યાં સુધી આ રોગ સંપૂર્ણ કાબુમાં આવે નહી ત્યાં સુધી સારવાર અને રસીકરણની કામગીરી ચાલુ રહેશે. જેથી તમામ પશુપાલકો અને જાગૃત નાગરિકોને અપીલ છે કે આ રોગની સારવાર માટે નજીકના પશુ દવાખાના કે ફરતા પશુ દવાખાના કે જેનો સમગ્ર રાજ્ય માટે 1962 હેલ્પ લાઈન નંબર છે તેનો સંપર્ક કરવો. તથા રસીકરણ માટે તાલુકાના મુખ્ય પશુ દવાખાનાનો સંપર્ક કરવો. ડો.એ.સી.વીરાણી, નાયબ પશુપાલન નિયામક, જિ.પ. -જામનગર-98242 49198, ડો.એ.બી.રાણીપા, મદદનીશ પશુપાલન નિયામક, જિ.પ. જામનગર- 97376 31555. જામનગર તાલુકા માટે ડો.સી.એ.ભંડેરી 8000858437, ધ્રોલ તાલુકા માટે ડો.કે.એન. પરમાર 9974365547, જોડિયા તાલુકા માટે ડો.કે.એન. ખીમાણીયા 9909864497, કાલાવડ તાલુકા માટે ડો.પી.બી.માદરિયા 7990525701, લાલપુર તાલુકા માટે ડો.એમ.પી.ગામીત 8153884287 અને જામજોધપુર માટે ડો.આઈ.એમ.ભટ્ટી 9624232044ની નિમણુંક કરવામાં આવી છે.