એમેઝોન પ્રાઈમના યુઝર્સને હવે મેમ્બરશીપ લેવા માટે 50% જેટલી વધારે કિંમત ચૂકવવી પડશે. ઈ-કૉમર્સ અને OTT પ્લેટફોર્મ કંપનીઓ પોતાની પ્રાઇમ મેમ્બરશિપની કિંમત વધારવા જઈ રહી છે. ઈ-કોમર્સ બ્રાન્ડ માસિક પ્રાઇમ મેમ્બરશિપ કિંમત વર્તમાન 129 રૂપિયાથી વધારીને 179 રૂપિયા કરશે,. ત્રણ મહિના માટે મેમ્બરશિપ કિંમત 329 રૂપિયાથી વધારીને 459 રૂપિયા કરશે. જ્યારે વાર્ષિક મેમ્બરશિપ જેની કિંમત 999 રૂપિયા છે તે વધારીને 1499 રૂપિયા કરશે.
એમેઝોન કંપનીના પ્રવક્તાએ કહ્યું છે કે આ વધારો ઝડપથી લાગુ કરવામાં આવશે. એમેઝોન પ્રાઇમ મેમ્બરશિપ હવે 999 રૂપિયાથી વધીને 1,499 રૂપિયા થશે. એમેઝોન પ્રાઈમના અપડેટ કરેલા ભાવ બુધવારે amazon.in પર હેલ્પ એન્ડ કસ્ટમર સર્વિસ પેજ પર રજૂ કરવામાં આવ્યા હતા. વેબસાઈટે જાહેર કર્યું છે કે નિયમિત ગ્રાહકો સિવાય, જે ગ્રાહકો તેમના ટેલિકોમ પ્લાનના ભાગ રૂપે એમેઝોન પ્રાઈમમાં જોડાયા છે તેઓને પણ નવો ભાવ વધારો લાગુ પડશે. હવે આ માટે યૂઝર્સે વધારે કિંમત ચૂકવવા માટે તૈયારી દાખવવી પડશે.
જે યુઝર્સ પહેલાથી જ પ્લાન લઈ ચૂક્યા છે તેઓ આ અપડેટથી પ્રભાવિત નહીં થાય. તેઓ તેમની યોજનાના સમયગાળાના અંત સુધી કોઈપણ વિક્ષેપ વગર તેનો લાભ લઈ શકે છે. પરંતુ જો સભ્યપદ લેતા પહેલા નવા દરો લાગુ કરવામાં આવે તો આવી સ્થિતિમાં યુઝર્સે નવા દરો મુજબ ચૂકવણી કરવી પડશે. એમેઝોન એવા યુઝર્સ પાસેથી કોઈ તાત્કાલિક ચાર્જ લેશે નહીં, જેમણે પેમેન્ટ માટે તેમનું કાર્ડ સાચવી રાખ્યું છે. કિંમતોમાં આ ફેરફાર એવા યુઝર્સ પણ અસર કરશે કે, જેઓ તેમના મોબાઇલ ઓપરેટરો તરફથી ઓફર દ્વારા એમેઝોન પ્રાઇમ મેમ્બરશિપ મેળવે છે.