બેન્કિંગ અને પેમેન્ટ સિસ્ટમ માટે દેશમાં નિયમનકાર રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા એ ભારતમાં સૌથી મોટી ડિજિટલ પેમેન્ટ વ્યવસ્થા યુપીઆઇ ઉપર ચાર્જ વસૂલવા કે નહિ તેના માટે વિચાર કરવો શરૂ કર્યો છે. આ માટે સંબંધિત લોકોના વિચાર જાણવા માટે છઇઈં એ સૂચનો મંગાવ્યા છે.
યુનાઈટેડ પેમેન્ટ ઈન્ટરફેસ કે યુપીઆઇ ભારતમાં સૌથી લોકપ્રિય નાણાકીય વ્યવહાર કે ડિજિટલ પેમેન્ટનું સાધન છે. મહિને 6 અબજ વ્યવહારો થકી રૂ. 10 લાખ કરોડની લેવડ દેવડ થાય છે. દુનિયામાં આ સૌથી મોટી પેમેન્ટ વ્યવસ્થા છે. તા. 1 જાન્યુઆરીથી આ નાણાકીય વ્યવહાર ઉપર કોઈપણ ચાર્જ નહિ લેવા માટે કેન્દ્ર સરકારે આદેશ કર્યો હતો. સૌથી મહત્વનું છે કે યુપીઆઇ વ્યવહારો વધુને વધુ ગ્રાહક સુધી પહોંચે તે માટે જૂન મહિનામાં જ રિઝર્વ બેન્કે નવી વ્યવસ્થા શરૂ કરી હતી.
આ વ્યવસ્થામાં જેની પાસે સ્માર્ટફોન હોય નહિ તે પણ હવે યુપીઆઇ નો લાભ લઇ શકે છે. રિઝર્વ બેંકના અભ્યાસ અનુસાર જો વ્યક્તિ રૂ.800નો વ્યવહાર કરે તો તેનાથી બે રૂપિયાનો ખર્ચ થાય છે જે અત્યારે ગ્રાહકો પાસેથી વસૂલવામાં આવતો નથી. રિઝર્વ બેન્કે સ્પષ્ટ જણાવ્યું છે કે અત્યારે ચાર્જ લેવો જોઈએ કે નહિ તે અંગે આરબીઆઇએ કોઈ નિર્ણય લીધો નથી. અત્યારે આ માત્ર વિચાર છે. બીજુ, જો વિવિધ વર્ગ ચાર્જ વસૂલવા માટે સહમત થશે તો તે ગ્રાહકો માટે અલગ અલગ હશે અને તેનો આધારે નાણાકીય વ્યવહાર કેવડો મોટો છે – એક વ્યવહારમાં કેટલી રકમ છે – તેના આધારે લેવામાં આવશે. ડિજિટલ પેમેન્ટ માટે ભારત સરકારે અને રિઝર્વ બેન્કે નોટબંધી પછી વિવિધ પ્રોત્સાહન આપ્યા છે. આ વ્યવહાર વધુ ઝડપી બને,ગ્રાહકો ઉપર બોજ આવે નહિ તે પ્રકારે હોય એવી વિચારણા સાથે યુપીઆઇ શરૂ કરવામાં આવી હતી. પેમેન્ટ ચાર્જ નક્કી થશે તો ત્રાહિત રીતે પેમેન્ટ સેવાઓ આપતી ગૂગલ પે, ફોન પે જેવી કંપનીઓ ઉપર તેની વધારે અસર થશે એવી શક્યતા નકારી શકાય નહિ. ગ્રાહકોને બેંક ખાતા સાથે જોડેલા યુપીઆઇ માટે સવલત આપતી બેન્કોને આ પ્રતાવિત ચાર્જથી ફાયદો થઈ શકે છે. રિઝર્વ બેન્કે આ માટે સૂચનો મંગાવ્યા છે તેમાં સૌથી ચિંતાજનક પ્રશ્ર્ન એવો છે કે કેટલો ચાર્જ લેવો અને તેની મર્યાદા કેવી રીતે નક્કી કરવી એ શું બજાર આધારિત રાખવામાં આવે કે તેના નિયમન માટે આરબીઆઇ પણ દેખરેખ રાખે એ અંગે પણ વિચાર જાણવામાં આવ્યા છે. સમગ્ર મામલે વિવિધ વર્ગોએ રિઝર્વ બેંકને તા. 3 ઓકટોબર સુધીમાં પોતાના બિચારો અને વાંધા અંગે જાણ કરવાની સૂચના આપવામાં આવી છે.