જામનગર શહેરમાં નવાગામ ઘેડ આરોગ્ય કેન્દ્ર પાસે રહેતાં નિવૃત્ત વૃધ્ધાએ તેના ઘરે અગમ્ય કારણોસર ચૂંદડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી. જામનગરના જૂના રેલવે સ્ટેશન પાસેથી રખડતા ભટકતા યુવાનની તબિયત લથડતા જી. જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલા આરોગ્ય કેન્દ્ર પાછળના હનુમાન ચોકમાં રહેતાં અને નિવૃત્ત જીવન જીવતા શાંતાબેન મગનભાઈ સદાદીયા (ઉ.વ.72) નામના વૃદ્ધાએ મંગળવારે બપોરના સમયે તેના ઘરે રસોડામાં લાકડાની આડીમાં ચૂંદડી વડે અગમ્યકારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે મજૂરી કામ કરતા પુત્ર રમેશ દ્વારા જાણ કરાતા પીએસઆઈ એસ.વી. સામાણી તથા સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી જઇ ગયો હતો અને 108 એમ્બ્યુલન્સને જાણ કરાતા તેની ટીમ દ્વારા વૃદ્ધાને મૃત જાહેર કરવામાં આવ્યાં હતાં. જેના આધારે પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આત્મહત્યાનું કારણ જાણવા તપાસ આરંભી હતી.
બીજો બનાવ, જામનગર શહેરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતાં ડાયાભાઈ લક્ષ્મણભાઈ ડાઠીયા (ઉ.વ.45) નામનો યુવાન રખડતો ભટકતો હતો અને તે દરમિયાન મંગળવારે રાત્રિના સમયે જૂના રેલવે સ્ટેશન નજીક ઝુલેલાલના મંદિર પાસે તબિયત લથડતા યુવાનને 108 એમ્બ્યુલન્સ દ્વાર જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની નયનભાઈ રાઠોડ દ્વારા જાણ કરાતા હેકો એસ.યુ. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.