તમામ પ્રયાસો વિફળ સાબિત થઈ રહ્યા છે અને કોરોના સંક્રમણ નિરંકુશ ફેલાઈ રહ્યું છે. ત્યારે સુપ્રીમ કોર્ટ, કોરોના ટાસ્ફફોર્સ, વૈજ્ઞાનિકો, તબીબો દ્વારા કરવામાં આવેલા વિશ્લેષણો અને સૂચનો ઉપર ધ્યાન આપવામાં આવે તો આ જીવલેણ સંકટમાંથી ઉગરવાનો એકમાત્ર ઉપાય હવે લોકડાઉન દેખાઈ રહ્યો છે. જેને પગલે કેન્દ્ર સરકારે કોરોના સામે આ નિર્ણાયક લડાઈ છેડવા માટેની તૈયારીઓ હાથ ધરી દીધી હોવાનાં બિનસત્તાવાર અહેવાલો આવી રહ્યાં છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે, કોરોનાનાં આ ચક્રવાતની ચેઈન તોડવા માટે દેશમાં 21 દિવસ માટે તાળાબંધી કરવામાં આવી શકે છે. આ વખતે સેના અને અર્ધસૈન્ય દળોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. શક્ય છે કે આ વખતે દેશમાં સંપૂર્ણ લોકડાઉન દરમિયાન સેના નિયંત્રણોની અમલવારીનો મોરચો સંભાળે.
દેશમાં કોરોનાની બીજી લહેરમાં તબાહી મચી ગઈ છે અને રાજ્ય સરકારો તરફથી કરવામાં આવી રહેલા તમામ પ્રયાસો કારગત સાબિત થઈ રહ્યા નથી. બીજીબાજુ દેશમાં કોરોનાની ત્રીજી લહેરની ભીતિ છે. વાયરસનાં અવનવા રૂપ અનેકગણાં વધુ ઝડપે પ્રસરી શકે તેવી આશંકા છે. જેને પગલે હવે કેન્દ્ર સરકારે નવેસરથી કોરોના સામે જંગ છેડવાની તૈયારી હાથ ધરી હોવાનું કહેવાય છે.


