જામનગરના શંકરટેકરી વિસ્તારમાં રહેતાં યુવાને સિટી સી ડીવીઝન પોલીસ સ્ટેશનના ગેઈટ પર બે પોલસ કર્મચારીઓના ત્રાસને કારણે ઝેરી દવા પી વીડિયો બનાવ્યો હતો. ત્યારબાદ યુવાનને સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
મળતી વિગત મુજબ, જામનગર શહેરમાં શંકરટેકરી વિસ્તારમાં રહેતાં અર્જુન રમેશ રાઠોડ નામના યુવાને ગત રાત્રિના સમયે શરૂ સેકશન રોડ પર આવેલા સિટી સી ડીવીઝન પોલીસ સ્ટેશનના ગેઈટ પર ઝેરી દવા પી વીડિયો બનાવ્યો હતો. દરમિયાન ઝેરી દવાની વિપરીત અસર થતા તબિયત લથડી હતી. જેથી યુવાનને 108 એમ્બ્યુલન્સ દ્વારા જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. યુવાને સિટી સી ડીવીઝનના ડી સ્ટાફના ખીમભાઈ અને જાવેદભાઈ નામના બે પોલસ કર્મચારીઓ અવાર-નવાર ઉપાડી જઈ હેરાન કરતાં હતાં અને બે દિવસ પહેલાં પણ કોઇ કારણ વગર ઉપાડી જઈ 24 કલાક પૂરી રાખ્યો હતો અને ત્યારબાદ ઘરે જવા દીધો હતો. પરંતુ છોડયાના એક કલાક પછી ફરીથી મને પોલીસમથકે લઇ આવ્યા હતાં અને મારું વાહન ડિટેઈન કર્યુ હતું.
પોલીસ દ્વારા વાહન ડિટેઈન કરી મેમો પણ આપ્યો ન હતો અને મને પરત મોકલી દીધો હતો ઉપરાંત આ બંને કર્મચારીઓ દ્વારા મારામારી, ગુપ્તભાગમાં વીજશોક આપ્યો હોવાનો આક્ષેપ પણ અર્જુને પોલીસ કર્મીઓ ઉપર કર્યો હતો અને આ બંને પોલીસ કર્મીના ત્રાસથી કંટાળીને જ ઝેરી દવા પીધી હતી. પોલીસ દ્વારા આ બનાવ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.