દિવાળીના પર્વની ઉજવણી માટે લોકોમાં ઉત્સાહ જોવા મળે છે, પરંતુ આ ઉત્સાહ વચ્ચે શહેરમાં ટ્રાફિક જામની સમસ્યા પણ ગંભીર બની છે. ખાસ કરીને ધનતેરસના દિવસે સાંજના સમયગાળામાં લોકો ખરીદી માટે મોટી સંખ્યામાં બજારો તરફ ઉમટી પડે છે, જેના કારણે શહેરના મુખ્ય માર્ગો પર ભારે ટ્રાફિક જોવા મળે છે.
શહેરના બેડીગેઈટ, રણજીતનગર રોડ, માંડવી ટાવર, સેન્ટ્રલ બેન્ક વિસ્તાર અને બર્ધન ચોક જેવા વ્યસ્ત માર્ગો પર ટ્રાફિક જામના દૃશ્યો સામાન્ય બની ગયા છે. વાહનોની લાંબી લાઈનો લાગી જાય છે અને ચારેય તરફ હોર્નનો ગુંજાટ જોવા મળે છે. ખરીદી માટે આવેલા લોકો પોતાના વાહનો અડેધડ રીતે પાર્ક કરતા હોવાના કારણે રસ્તાઓ વધુ સાંકડા બની જાય છે, જેના પરિણામે ટ્રાફિક ધીમી ગતિએ ચાલે છે.
View this post on Instagram
ટ્રાફિક પોલીસના જવાનો વિવિધ વિસ્તારોમાં ફરજ બજાવી રહ્યા છે અને ટ્રાફિકનું સંચાલન કરવા પ્રયાસરત છે, પરંતુ અતિભીડના કારણે તેમની મહેનત છતાં પણ જામની સ્થિતિ પર પૂરતો કાબુ મળી રહ્યો નથી.
સ્થાનિક વેપારીઓ દ્વારા પણ દુકાનોની બહાર વધારાનું માલસામાન રાખવામાં આવતું હોય છે, જે રસ્તાઓ પર દબાણ ઊભું કરે છે અને વાહન વ્યવહારને વધુ મુશ્કેલ બનાવે છે.
નાગરિકો કહે છે કે દિવાળીના પર્વની ખરીદી દરમિયાન ટ્રાફિકની આ સમસ્યા દર વર્ષે ઊભી થાય છે, પરંતુ આ વર્ષે વધુ ગંભીર બની છે. ખરીદી માટે નીકળેલા લોકો કલાકો સુધી રસ્તાઓ પર અટવાઈ જાય છે, જેના કારણે તકલીફનો સામનો કરવો પડે છે.
શહેરજનોની માંગ છે કે તહેવારના દિવસોમાં ટ્રાફિક નિયંત્રણ માટે ખાસ આયોજન કરવું જોઈએ, વધુ ટ્રાફિક પોલીસ જવાનોની નિયુક્તિ કરી મુખ્ય માર્ગો પર પાર્કિંગ વ્યવસ્થા કડકપણે અમલમાં મૂકવી જોઈએ જેથી લોકો તહેવારની મજા નિરાંતે માણી શકે.


