સાળંગપુરમાં હનુમાનજીની પ્રતિમા નીચે લગાવવામાં આવેલ ચિત્રોમાં હનુમાનજીને સ્વામિનારાયણ સંત સમક્ષ પ્રણામ કરતાં દેખાડવામાં આવતાં આ બાબત હનુમાનજી મહારાજનું અપમાન થતું હોય, જામનગરના રામાનંદી સમાજ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. રામાનંદી નવનિર્માણ સેનાનો જામનગર જિલ્લાના પ્રમુખ અપ્પુભાઇ રામાનંદીએ આ અંગે સાળંગપુર કષ્ટભંજન મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, સાળંગપુર મંદિર પરિસરમાં હનુમાનજીની મૂર્તિ નીચે લગાવવામાં આવેલા ભિંત ચિત્રોમાં હનુમાન મહારાજનો સ્વામિનારાય સંતોને પ્રણામ કરતાં દર્શાવવામાં આવ્યા છે. જે હનુમાનજી મહારાજના અપમાન સમાન છે. આવા ચિત્રોને કારણે સનાતન ધર્મના લોકોની લાગણીઓને ઠેંસ પહોંચી છે.
રામાનંદી સમાજે આ પ્રકારના ભિંત ચિત્રો તાકિદે દૂર કરવા માગણી કરી છે. હિન્દુ ધર્મના લોકો હનુમાનજી મહારાજ ઉપર અતૂટ શ્રધ્ધા ધરાવે છે. રામાનંદી નવનિર્માણ ટ્રસ્ટે આગામી તા. 12 સપ્ટેમ્બરે મંદિર પરિસરમાં સમસ્ત હિન્દુ ધર્મના સાતુ-સંતો, મહંતો, કથાકારો અને ધાર્મિક સંસ્થાઓની ઉપસ્થિતિમાં ચર્ચાઓ કરવા મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓને અનુરોધ કર્યો છે.