Friday, December 26, 2025
Homeસમાચારઆંતરરાષ્ટ્રીયયુક્રેન સલવાયું : જગત જમાદાર અમેરિકાએ હાથ કર્યા ઉંચા

યુક્રેન સલવાયું : જગત જમાદાર અમેરિકાએ હાથ કર્યા ઉંચા

રાષ્ટ્રપતિ જોબાયડને રશિયાની ટીકા કરી પણ કહ્યું નાટો સેના યુદ્ધ નહીં કરે : પ્રતિબંધોની ઐસીતૈસી કરી રશિયાએ યુક્રેન પર હુમલા ચાલુ રાખ્યાં : પ્રથમ દિવસની લડાઇમાં 137 લોકોના મોત

જેની આશાએ યુક્રેને રશિયા જેવી શકિતશાળી સેના સાથે બાથ ભિડવાનું નકકી કર્યું તે જગત જમાદાર અમેરિકા અને તેના નાટો સભ્યોેએ યુધ્ધ કરવાથી હાથ ઉંચા કરી લેતાં યુક્રેનની હાલત કફોડી બની ગઇ છે. યુક્રેનની હાલત ન ઘરના ન ઘાટના જેવી થઇ છે. ગઇકાલે અમેરિકન રાષ્ટ્રપતિએ યુક્રેનમાં નાટો સૈન્ય નહીં મોકલવાની જાહેરાત કરી છે. માત્ર રશિયા સામે પ્રતિબંધોથી કામ ચલાવવાનો નિર્ણય કર્યો છે. યુરોપીયન દેશો પણ રશિયા સાથે સીધા સંઘર્ષમાં આવવા ઇચ્છુક નથી. પરિણામ યુક્રેન હવે એકલું પડી ગયું છે. બીજી તરફ રશીયાએ અમેરિકા અને યુરોપના પ્રતિબંધોની ઐસીતૈસી કરી યુક્રેન પર સતત બિજા દિવસે હુમલા યથાવત રાખ્યાં છે.

- Advertisement -

યુક્રેન પર હુમલા બદલ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને રશિયાની આકરી ટીકા કરી છે. રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યું કે, અમને પહેલેથી અંદેશો હતો કે રશિયા યુક્રેન પર હુમલો કરશે. બાઈડેને કહ્યું કે પુતિન હુમલાખોર છે તેમણે યુદ્ધનો રસ્તો પસંદ કર્યો. પરંતુ પુતિન અને તેના દેશ રશિયાએ આ હુમલાના પરિણામ ભોગવવા પડશે. બાઈડેને કહ્યું કે દુનિયાના મોટાભાગના દેશ રશિયાની વિરુદ્ધ છે. અમે રશિયા પર વધુ આકરા પ્રતિબંધો લગાવીશું. બાઈડેને કહ્યું કે અમેરિકા ઉપર પણ યુદ્ધની અસર પડી શકે છે. તેમણે કહ્યું કે યુક્રેનમાં ફસાયેલા અમેરિકી નાગરિકોની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે.

અમે સાઈબર હુમલાનો જવાબ આપવા માટે તૈયાર છીએ. બાઈડેને ફરી એકવાર સ્પષ્ટ કરી દીધુ કે તેઓ યુક્રેનમાં સેના મોકલશે નહીં. જો કે બાઈડેને કહ્યું કે તેઓ નાટો દેશોની ઈંચભર જમીનની પણ રક્ષા કરશે. એટલું જ નહીં બાઈડેને એમ પણ કહ્યું કે તેમની રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન સાથે વાતચીતની કોઈ યોજના નથી. બાઈડેને કહ્યું કે રશિયાની સેનાએ કોઈ પણ ઉશ્કેરણી વગર યુક્રેન પર કૂર હુમલો શરૂ કરી દીધો છે. તેમનું કહેવું છે કે આ એક પૂર્વઆયોજિત હુમલો છે. જેની યોજના મહિનાઓથી બનાવવામાં આવી રહી હતી. બાઈડેને કહ્યું કે અમે જી-7 દૈશ મળીને રશિયાને જવાબ આપીશું. વીટીબી સહિત રશિયાની 4 અન્ય બેંકો પર પ્રતિબંધ લગાવીશું. બાઈડેને કહ્યું કે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે વાત કરવાની મારી કોઈ યોજના નથી. તેઓ પૂર્વ સોવિયત સંદ્યને ફરીથી સ્થાપિત કરવા માંગે છે. મને લાગે છે કે તેમની મહત્વકાંક્ષા તે જગ્યાથી બિલકુલ વિપરિત છે જયાં હાલ અમે છીએ. રશિયાના હુમલા બાદ યુક્રેનના રાષ્ટ્રપતિ વલોદિમિર જેલેન્સ્કીએ અમેરિકા અને નાટો દેશો પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે રશિયાની સાથે લડાઈમાં અમને એકલા છોડી દેવાયા. તેમણે નાટો દેશો પર આરોપ લગાવતા કહ્યું ક આ દેશોના નેતાઓએ ડરના માર્યા યુક્રેનને નાટોમાં સામેલ કર્યું નહીં. તેઓ ડરતા હશે. અમે ડરતા નથી. વલોદિમિર જેલેન્સ્કીએ કહ્યું કે મે 27 યુરોપીયન નેતાઓને પૂછ્યું કે શું યુક્રેને નાટોમાં હોવું જોઈએ. તેઓ બધા ડરેલા છે. પરંતુ અમે ડરતા નથી. અમે રશિયા સાથે વાત કરતા ડરતા નથી. અમે અમારા રાજય માટે સુરક્ષાની ગેરંટી અંગે વાત કરતા ડરતા નથી. અમે તટસ્થ સ્થિતિ વિશે વાત કરતા ડરતા નથી. ન્યૂઝ એજન્સી એએફપીના રિપોટ મુજબ યુક્રેનના રાષ્ટ્રપતિ વલોદિમિર જેલેન્સ્કીએ જણાવ્યું કે યુદ્ધના પ્રથમ દિવસે 137 લોકોના મોત થયા છે.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular