ચીન, જાપાન અને દક્ષિણ કોરિયાના માથે વર્ષ 2022નું સૌથી શક્તિશાળી ચક્રવાતનો ખતરો મંડાઇ રહ્યો છે. પૂર્વી ચીન સાગરમાં આગળ વધી રહેલું આ વાવાઝોડું જાપાનના પશ્ચિમ ભાગ અને સાઉથ કોરિયાના દક્ષિણ ભાગમાં ટકરાવવા માટે તૈયાર છે. સુપર ટાઇફૂન હિનામનોર કેટેગરી-5નું ચક્રવાત છે. આમાં કલાકદીઠ 257 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. જેને કારણે દરિયામાં 15 મીટર સુધી ઊંચા મોજા ઉછળી શકે છે. એશિયાના ચીન અને જાપાન સહિતના દેશોમાં ચક્રવાત ‘હિનામનોર’નો ખતરો મંડાઇ રહ્યો છે. તે ત્રાટકે તે પહેલાં સાવચેતીના ભાગરૂપે પૂર્વ ચીન-જાપાનના શહેરોમાં ફ્લાઇટ્સ અને ફેરી સેવા રદ કરી દેવાઈ છે. ‘હિનામનોર’ ચાલુ વર્ષનું સૌથી શક્તિશાળી ચક્રવાત ગણાય છે. તોફાની પવન અને ભારે વરસાદ સાથે તેણે તાઇવાન અને કોરિયામાં પુષ્કળ વિનાશ વેર્યો છે. શાંઘાઇએ ફેરી સેવા બંધ કરી છે અને 50,000થી વધુ પોલીસને રાહતકાર્યમાં લગાડી છે.