જામનગર શહેરના પંચેશ્ર્વરટાવર પાસેની ગરબીમાં ગતરાત્રિના સમયે ફોટા પાડવાની ના પાડતા બે શખ્સોએ ગરબી સંચાલક સહિત બે વ્યક્તિઓ ઉપર છરી વડે હુમલો કરતા ગરબીમાં અફડાતફડી મચી ગઈ હતી. ઈજાગ્રસ્ત બન્ને યુવાનોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
આ અંગેની વિગત મુજબ, કોરોના કાળના બે વર્ષ બાદ આ વર્ષે નવરાત્રિનું શહેર અને જિલ્લામાં અનેક સ્થળોએ આયોજન કરવામાં આવ્યું છે. તેમજ બે વર્ષ બાદ યોજાતી ગરબી નિહાળવા શહેરીજનોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. દરમિયાન જામનગર શહેરમાં પંચેશ્ર્વરટાવર પાસેની ગરબીમાં ગત રાત્રિના સમયે બે શખ્સો મોબાઇલમાં ફોટા પાડતા હોવાથી સંચાલક ભાલાભાઇ એ યુવતીઓ અને મહિલાઓ હોવાથી ફોટા પાડવાની ના પાડતા દુષ્યંતસિંહ અને ભાવિરાજસિંહ નામના બે શખ્સોએ ગરબી સંચાલક ભાલાભાઈ અને રવિ ઢાપા નામના બે યુવાનો ઉપર છરી વડે હુમલો કરતા ગરબીમાં નાશભાગ મચી ગઈ હતી. કરાયેલા હુમલામાં ઘવાયેલા બન્ને યુવાનોને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલે દોડી આવ્યો હતો. પોલીસે ઈજાગ્રસ્તના નિવેદનના આધારે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી.