જામનગરમાં રહેતા અને ભંગારનો ધંધો કરતાં શંકરભાઇ ઘનશ્યામદાસ તેજવાણીએ તેના પાડોશમાં રહેતા ભૂપેન્દ્રભાઇ આશરને તેની કાયદેસરની લેણી રકમ રૂા. 7,00,000 ચૂકવવા સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાનો તા. 23-2-2023નો રૂા. સાત લાખનો ચેક આપ્યો હતો. જે ચેક આરોપી શંકરભાઇ ઘનશ્યામદાસ તેજવણીના બેંક ખાતામાં પુરતી બેલેન્સ ન હોય, ફંડસ ઇનશફિયન્સના કારણસર બાઉન્સ થયો હતો. જેથી ભૂપેન્દ્રભાઇ આશરે તેના વકીલ મારફત નોટીસ આપી 15 દિવસમાં લેણી રકમ ચૂકવી આપવા સૂચના આપી હતી. જે નોટીસ આરોપીને મળી જવા છતાં અને 15 દિવસની મુદ્ત પુરી થતાં સુધી રકમ નહીં ચૂકવતાં ભૂપેન્દ્રભાઇ આશરે જામનગર કોર્ટમાં ચેક બાઉન્સ થવા અંગે ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ કલમ-138 હેઠળની ફરિયાદ દાખલ કરી હતી. જે કેસ જામનગર કોર્ટ નં. 7માં ચાલી જતાં ફરિયાદી દ્વારા મૌખિક તથા દસ્તાવેજી પુરાવાથી પોતાનો કેસ સાબિત કરેલ અને ફરિયાદી તરફે ગુજરાત હાઇકોર્ટે તથા સુપ્રિમકોર્ટના ચુકાદાઓ ટાંકી વિસ્તૃત દલીલ કરતાં એડી. ચીફ જ્યુ. મેજી. આર.બી. ગોસાઇએ ફરિયાદીનો કેસ સાબિત માની આરોપીને બે વર્ષની સજા તથા રૂા. સાત લાખનો દંડ કરી ફરિયાદી ભૂપેન્દ્રભાઇ આશરને રૂા. સાત લાખ વળતર સ્વરુપે ચૂકવવા હુકમ કરેલ છે. ફરિયાદી તરફે વકીલ તરીકે અશોક ગાંધી રોકાયેલ હતાં.