જામનગરના ચકચારી એવા ગુજસીટોક કેસમાં ઝડપાયેલા 12 આરોપીઓ સામે પોલીસે રાજકોટની ખાસ અદાલતમાં ત્રણ હજાર પાનાનું ચાર્જશીટ રજૂ કર્યા બાદ જામનગર પોલીસે બે હજાર પાનાનું પૂરવણી ચાર્જશીટ ફાઇલ કર્યુ છે. તેમજ આ ગુનાના મુખ્ય સૂત્રધારની આઠ કરોડની કિંમતના 33 પ્લોટ થોડા સમય અગાઉ ગૃહ વિભાગની મંજૂરી બાદ જામનગર પોલીસે ટાંચમાં લીધા હતાં.
આ અંગેની વિગત મુજબ, જામનગરના ચકચારી ગુજસીટોક્ના કેસમાં પકડાયેલા 1ર આરોપીઓ સામે પોલીસે 3 હજાર પાનાનું ચાર્જશીટ દાખલ કર્યા બાદ રાજકોટની ગુજસીટોક અદાલતમાં તપાસનીશ ડીવાયએસપીએ વધુ ર હજાર પાનાની પુરવણી ચાર્જશીટ ફાઈલ કરી છે. જેમાં ભુમાફીયાના ફોન કોલ્સની વિગતો તેમજ લંડનના નાણાકીય હવાલા વિગતોનો ઉલ્લેખ કરાયેલા હોવાનું જાણવા મળે છે. જામનગરમાં ઓક્ટોબર-2020માં નોંધાયેલા ગુજસીટોક્ના કેસમાં ઝડપાયેલા બે બીલ્ડર, પુર્વ કોર્પોરેટર, નિવૃત પોલીસ, વકીલ, શેર અને હુંડીયામણના ધંધાર્થીઓ સહિતના 12 આરોપીઓ સામે ગત એપ્રીલ માસમાં કેસના તપાસનીશ અધિકારી ઈન્ચાર્જ પોલીસવડા નિતેષ પાંડેયએ 3 હજાર પાનાનું ચાર્જશીટ ગુજસીટોક અદાલતમાં રજૂ કર્યુ હતું. ત્યારબાદ ગુજસીટોક્ના કેસની ઉંડી તપાસ ચાલુ રાખી હતી. જેમાં તાજેતરમાં ભુમાહીયા દ્વારા બળજબરીથી કરાવાયેલા સોદાના રૂ.8 કરોડની કિમંતના 33 જેટલા પ્લોટ ગૃહ વિભાગની મંજુરી બાદ જામનગર પોલીસે ટાંચમાં લીધા હતા.
ઈન્ચાર્જ પોલીસવડા નિતેષ પાંડેયએ વધુ ર હજાર પાનાની પુરવણી ચાર્જશીટ અદાલતને સોંપી હતી. આ પુરવણી ચાર્જશીટમાં ભુમાફીયાએ વિવિષ વ્યક્તિઓ સાથે કરેલી વાતચીતની વિગતો, હવાલાથી ઈંગ્લેન્ડ મોકલાયેલી મોટી રકમોના તેમજ અન્ય ઈલેક્ટ્રોનિક માહિતીઓ અને વધારાની દસ્તાવેજી વિગતો સહિતની સંખ્યાબંધ વિગતોનો ઉલ્લેખ હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. ઉલ્લેખનિય છે કે, અદાલતમાં અગાઉ આ કેસમાં પકડાયેલા આરોપીઓ સામે તહોમતનામું ઘડવાની કાર્યવાહી યોજવામાં આવી હતી. જેમાં મુદ્ત પડી હતી. આ કેસમાં મુખ્ય આરોપી ભુમાફિયા જયેશ પટેલ લંડનમાં માર્ચ 2021માં ઝડપાયા બાદ ત્યાંની જેલમાં છે અને જામનગર પોલીસે તેને ભારત લાવવા જરુરી કાર્યવાહી કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી રહી છે.