સંભવિત વાવાઝોડા બિપોરજોયને લઈને ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. વાવાઝોડાને લઈને તંત્ર વધુ એલર્ટ બન્યું છે. ત્યારે સરકાર તરફથી જામનગર જિલ્લાને એનડીઆરએફની બે ટીમ ફાળવવામાં આવી છે. જેમાંથી એક ટીમ જોડિયા ખાતે અને બીજી ટીમ જામનગર ગ્રામ્ય વિસ્તારમાં બેડ ખાતે તૈનાત છે.
ચક્રવાતમાં કોઈ જાનહાની ન થાય તે માટે સરકાર દ્વારા જિલ્લા વહીવટી તંત્રને એલર્ટ કરી દેવામાં આવ્યું છે. વડોદરા એનડીઆરએફની બે ટીમો જામનગર જિલ્લામાં તૈનાત છે. એક ટીમમાં 20જવાનો એમ કુલ બે ટીમમાં 40 જવાનો બેડ અને જોડિયા ખાતે રેસ્ક્યુ માટેના આધુનિક સાધનો સાથે સ્ટેન્ડબાય છે. આ ટીમ દ્વારા જે તે સ્થળે જવા માટેની બસ ઉપરાંત સ્નીફર ડોગ, બોટ, લાઇફ જેકેટ, ઓવીએમ, અંધારામાં કામ કરવા માટે બેબી જનરેટરો,રસ્તા ઉપર પડેલા વૃક્ષોને કાપવા માટેના કટરો, રબર બોટ, ટોર્ચ, દોરડું જેવા સાધનો સાથે જરૂર પડ્યે સ્થળ પર પહોંચવા માટે સજ્જ છે.
ઇન્સ્પેકટર ભરતકુમાર મૌર્યના જણાવ્યા મુજબ જામનગર જિલ્લામાં સંભવિત બિપરજોય વાવાઝોડાનો ખતરો હોય સાવચેતીના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા જામનગર ગ્રામ્ય વિસ્તાર અને જોડિયામાં એનડીઆરએફની બે ટીમો તૈનાત કરવામાં આવી છે. દરિયાકિનારાના વિસ્તારો અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. તેમજ 0 થી 5 અને 6 થી 10 કિમીની અંદરના વિસ્તારોમાં રહેતા લોકોને પોતાનો જરૂરિયાતનો સમાન અને કિંમતી ચીજ વસ્તુઓ લઈને નજીકના આશ્રિત સ્થાનોમાં મોકલવામાં આવ્યા છે. તેમજ વાવાઝોડા સમયે લોકોએ પોતાનું રક્ષણ કેવી રીતે કરવું તે અંગે પણ સમજૂતી આપવામાં આવી છે.