જામનગર જિલ્લામાં પણ ચાંદીપુરા વાયરસના બે શંકાસ્પદ કેસો સામે આવ્યા હોય, તંત્રમાં દોડધામ મચી ગઈ છે. જેને લઇ કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, ધારાસભ્ય સહિતના અગ્રણીઓ જી. જી. હોસ્પિટલ દોડી ગયા હતાં.
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ માથુ ઉંચકી રહ્યો છે. એવામાં જામનગર જિલ્લામાં પણ બે બાળકોમાં ચાંદીપુરા વાયરસના લક્ષણ જોવા મળતા આરોગ્ય ટીમ દોડતી થઈ છે. મળતી વિગત મુજબ, જામનગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસના બે શંકાસ્પદ કેસો જોવા મળતા બંનેના સેમ્પલ લેવામાં આવ્યા હતાં અને પુણે ચકાસણી માટે મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ આ અંગે વધુ સ્પષ્ટતા થશે. બે બાળ દર્દીઓમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસ સામે આવતા આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ છે. જામનગર જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા બંને સ્થળોએ ટીમો દોડાવવામાં આવી છે અને સંક્રમિત બાળકો તથા તેમના પરિવારોના આરોગ્ય ચકાસણી સહિતની કામગીરી કરવામાં આવી રહી છે આ શંકાસ્પદ કેસોને લઇ રાજ્યના કેબિનેટમંત્રી રાઘવજીભાઈ પટેલ, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી જી. જી. હોસ્પિટલ ખાતે દોડી ગયા હતાં. અને જી. જી. હોસ્પિટલમાં મેડિકલ કોલેજના ડિન ડો. નંદીની દેસાઈ, સુપ્રિટેન્ડેન્ટ તિવારી, એસ.એસ.ચેટરજી સહિતના અધિકારીઓ સાથે બેઠક યોજી રોગ ફેલાતો અટકાવવા શકય તમામ પ્રયાસ કરવા સૂચના આપવામાં આવી હતી.