રાજ્યની એસટી બસ સેવાને સરકાર દ્વારા સલામત સવારી જેવી ઉપમા આપવામાં આવી છે. ત્યારે અમુક રૂટની બસો તો એટલીબધી ખખડધજ બની ગઈ છે કે લોકોને મુસાફરી કરવી મુશ્કેલ બની ગઈ છે. આ કહેવાતી સલામત સવારીમાં ધ્રોલ-જોડિયા જતી બસના ગુલાબનગર પાસે પાછળનો કાચ એકાએક તૂટી જતાં બેસેલા બે વ્યક્તિઓ રોડ પર પટકાતા સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
રાજ્ય સરકાર દ્વારા સંચાલિત એસ.ટી. વિભાગની ઘણીખરી બસો ખખડધજ બની ગઈ છે. જોકે, સરકાર દ્વારા હાલમાં જ 151 નવી બસો એસટી વિભાગને સોંપવામાં આવી છે. રાજ્યના છેવાડાના ગ્રામ્ય વિસ્તારોમાં તો ખખડધજ બની ગયેલી બસો જ મુસાફરોની સુવિધા માટે અવર-જવર કરતી હોય છે. તેમાં પણ અમુક રૂટોની બસોમાં ક્ષમતા કરતા વધુ પેસેન્જરો ભરીને લઇ જવાય છે. ત્યારે આ સરકારી સેવામાં પ્રજાની સલામતી કેટલી ? આવી જ એક ઘટના આજે જામનગરના ગુલાબનગર વિસ્તારમાં બની છે. જેમાં ધ્રોલ-જોડિયા તરફ જતી જીજે-18-ઝેડ-4921 નંબરની એસ.ટી. બસમાં વિદ્યાર્થીઓની અવર જવર વધુ રહેતી હોય છે. આજે આ બસમાં 125 થી વધુ લોકોને ઠાસી ઠાસીને ભર્યા હતાં. આ બસ ગુલાબનગર પાસે પહોંચી ત્યારે એકાએક જ બસનો પાછળનો કાચ તૂટી જતાં દુષ્યંતસિંહ પ્રતાપસિંહ અને જાડેજા હરદિપસિંહ પદુભા નામના બે વિદ્યાર્થીઓ બસમાંથી રોડ પર પટકાતા બંનેને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
ઉલ્લેખનીય બાબત એ છે કે રાજ્ય સરકાર દ્વારા પ્રજાની સુવિધા માટે શરૂ કરાયેલી આ સેવાની હાલત દિવસે દિવસે કથળતી જાય છે. તેમાં પણ અમુક રૂટોમાં તો બસો એટલી ખખડધજ હોય છે કે તેમાં મુસાફરી કરતા મુસાફરોએ ઘણી વખત રોડ પર ધક્કા મારવા પડે તેવા દ્રશ્યો તો સામાન્ય બની ગયા છે.