હરિયાણાના નુંહ જિલ્લાના ડીએસપી સુરેન્દ્રસિંહ બિશ્ર્નોઇની હત્યાના કલાકો બાદ ઝારખંડના રાંચીમાં પણ એક મહિલા ફોજદારને પીકઅપ વાહન હેઠળ કચડીને હત્યા કરવામાં આવી છે. હત્યાની આ બન્ને ઘટનાઓથી ગુનેગારોના હોંસલા બુલંદ જણાઇ રહયા છે. તો પોલીસ બેડામાં ભારે ચકચાર મચી જવા પામી છે. હજુ ગઇકાલે જ હરિયાણામાં ડીએસપી સુરેન્દ્રસિંહને આરોપીઓએ ડમ્પર હેઠળ કચડીને તેની હત્યા નિપજાવી હતી. જો કે, આ ઘટનાના કલાકો બાદ જ પોલીસે બે આરોપીઓ પૈકી એકને ઠાર માર્યો હતો. જયારે બીજાને ઝડપી લીધો હતો.
ઝારખંડની રાજધાની રાંચીમાં એક મહિલા ઇન્સ્પેક્ટરનું વાહન દ્વારા કચડીને મોત થયું હતું. ઘટના રાંચી જિલ્લાના તુપુદાના પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના હુલહંડની છે. જ્યારે આ ઘટના બની ત્યારે લેડો ઈન્સ્પેક્ટર સંધ્યા વાહન ચેક કરી રહો હતી, ત્યારે ગુનેગારોએ તેને પીકઅપ વાન વડે કચડી નાખતા તેનું મૃત્યુ થયું હતુ. સંધ્યા ટોપનો 2018 બેચની ઇન્સ્પેક્ટર હતી. આ ઘટના આજે સવારે 5 વાગ્યાની આસપાસ બની હતી. એસઆઈની હત્યાની માહિતી મળતાં સ્ટેશન ઈન્ચાર્જ સહિત અનેક પોલીસકર્મીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઘટનાને અંજામ આપ્યા બાદ ગુનેગારો વાહન લઈને કરાર થઇ ગયા હતા. જોકે, આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ આસપાસના સીસીટીવી ફૂટેજ પણ સ્કેન કરી રહો છે. ઘટના અંગે માહિતી આપતા રાંચીના એસએસપીએ જણાવ્યું કે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને વાહન જપ્ત કરી લેવામાં આવ્યું છે.