જોડિયા તાલુકાના પીઠડ ગામમાં રહેતાં અને ખેતીકામ કરતા પટેલ પ્રૌઢે બે વર્ષ પહેલાં પાંચ શખ્સો પાસેથી લીધેલા પાંચ લાખની રકમનું વ્યાજ સહિત પંદર લાખની ચૂકવણી કરી હોવા છતાં વ્યાજખોરોએ અપશબ્દો બોલી ધમકી આપી રોકડ અને પ્રૌઢના મકાનના બે પ્લોટના દસ્તાવેજો કરાવી અને સૌરાષ્ટ્ર ગ્રામિણ બેંકના ચાર કોરા ચેકમાં સહિ કરાવી લીધાની ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જોડિયા તાલુકાના પીઠડ ગામમાં રહેતાં અને ખેતીકામ કરતા બાબુભાઈ વીરજીભાઈ કાસુન્દ્રા (ઉ.વ.52) નામના પટેલ પ્રૌઢે બે વર્ષ પહેલાં અલ્પેશ ઈન્દુભાઈ નામના શખ્સ પાસેથી પાંચ લાખની રકમ વ્યાજે લીધી હતી અને આ રકમ વ્યાજ સહિત 15 લાખ ચૂકવી દીધી હોવા છતાં વ્યાજખોર અલ્પેશ દ્વારા વ્યાજની પટાણી ઉઘરાણી કરી પ્રૌઢને અવાર-નવાર ધમકી આપતો હતો. તેમજ અલ્પેશ તથા પરેશ દિલીપ કાસુન્દ્રા, ધિરજ વાલજી બોપલિયા, રાજ નાગાજણ ડાંગર અને ગીરીશ બાવાજી નામના મોરબી તાલુકાના બેલા ગામમાં રહેતાં પાંચ વ્યાજખોરોએ વ્યાજની રકમની વસૂલાત માટે પ્રૌઢના ઘરે આવી ધમકીઓ આપી રોકડ અને પ્રૌઢના બે પ્લોટોના દસ્તાવેજો કરાવી લીધા હતાં તેમજ સૌરાષ્ટ્ર ગ્રામિણ બેંકના ચાર કોરા ચેકમાં સહિ કરાવી પડાવી લીધા હતાં. આમ, પાંચ વ્યજાખોરો દ્વારા પ્રૌઢ પાસેથી વ્યાજની રકમ માટે પઠાણી ઉઘરાણી કરી ધમકી આપ્યાની જાણ કરાતા પીએસઆઇ કે.આર. સિસોદીયા તથા સ્ટાફે લેન્ડ ગે્રબિંગ એકટ હેઠળ પાંચ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.


