જામનગર નજીક ખીજડિયા બાયપાસ પાસે રાત્રિના ચાર વાગ્યાના અરસામાં આઈસર વાહન એક ટ્રક સાથે ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માતમાં બે યુવાનોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતાં. બનાવની જાણ થતા ફાયર ટીમે સ્થળ પર પહોંચી મૃતદેહોને ટ્રકમાંથી બહાર કાઢી પોલીસને સોંપી આપ્યા હતાં.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર નજીક ખીજડિયા બાયપાસ પાસે રાત્રિના ચાર વાગ્યાના અરસામાં જીજે-10-ટીએકસ-630 નંબરનું આઈસર વાહન આગળ જતા જીજે-10-ઝેડ-5392 નંબરના ટ્રક સાથે ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત થયો હતો. અકસ્માતમાં આઈસરની કેબિનનો ભાગ અને ટ્રકનો પાછળનો ભાગ અકસ્માતમાં દબાઈ ગયો હતો. જેમાં આઈસરમાં સવાર બે યુવાનોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતાં. ગમખ્વાર અકસ્માતની જાણ થતા ફાયરની ટીમ તાતકાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને બન્ને યુવાનોના મૃતદેહો બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવી પડી હતી.
અકસ્માતના કારણે વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો. બનાવની જાણના આધારે પોલીસ કાફલો 5ણ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પોલીસે બન્ને મૃતદેહોને પીએમ માટે મોકલી ઓળખ મેળવવા કાર્યવાહી હાથ ધરી અને જામ થયેલો વાહન વ્યવહાર ફરીથી શરૂ કરાવવા તજવીજ હાથ ધરી હતી.
જામનગરના ખીજડિયા નજીક આઈસર ટ્રક પાછળ ઘૂસી જતાં બે વ્યક્તિના મોત
રાત્રિના ચાર વાગ્યે ગમખ્વાર અકસ્માત: ફાયર ટીમ દ્વારા મૃતદેહોને બહાર કઢાયા