જામનગર તાલુકાના લાલપુર બાયપાસ નજીક દડિયા પોઇન્ટ પાસેથી પસાર થતી કારને આંતરીને તલાસી લેતાં તેમાંથી રૂા.1.62 લાખની કિંમતની દારૂની બોટલો અને બે મોબાઇલ અને કાર સહિત કુલ રૂા.4,18,000ના મુદ્દામાલ સાથે ભાણવડ પંથકના બે શખ્સોને ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી. જામનગરના ઉદ્યોગનગર વિસ્તારમાં પોલીસે એક શખ્સને દારૂની છ બોટલો સાથે ઝડપી લઇ પુછપરછ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર નજીક આવેલાં લાલપુર બાયપાસ ચોકડીથી દડિયા ટી પોઇન્ટ તરફના માર્ગ પરથી કારમાં દારૂનો જથ્થો પસાર થવાની મળેલી બાતમીના આધારે પીએસઆઇ સી.એમ.કાંટેલિયા તથા સ્ટાફે વોચ ગોઠવી અને પરોઢિયે પસાર થતી જીજે-06-ઇએચ-8541 નંબરની ર્સ્કોપીયો કારને આંતરીને તલાસી લેતાં તેમાંથી રૂા.1.62 લાખની કિંમતની 324 બોટલ દારૂ મળી આવતાં પોલીસે ખીમા ઉર્ફે ખીમો બોઘા શામળા(રે.રાણપર તા. ભાણવડ) અને ધાના પાલા મોરી (રહે. પાસ્તરડી તા.ભાણવડ) નામના બે શખ્સોને ઝડપી લઇ તેમની પાસેથી બે મોબાઇલ અને રૂા.2.56 લાખની કિંમતની કાર અને મોબાઇલ તથા દારૂનો જથ્થો મળી કુલ રૂપિયા 4.18 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઇ પુછપરછ હાથ ધરતાં આ દારૂનો જથ્થો રાજકોટ જિલ્લાના ધોરાજીમાં રહેતાં કારા રાણ રબારી નામના શખ્સ પાસેથી મેળવીને જામનગરના જયેશ ઉર્ફે જયુ દેગામાં નામના શખ્સને આપવા જતા હોવાની કેફિયત આપી હતી. જેના આધારે પોલીસે 4 શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી સપ્લાયર અને ખરીદનારની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
બીજો બનાવ, જામનગર શહેરના ઉદ્યોગનગર વિસ્તારમાંથી પસાર થતાં વિપુલ ભગવાનજી ટાંક નામના શખ્સને પોલીસે આંતરીને તલાસી લેતાં તેના કબ્જામાંથી રૂા.3000ની કિંમતની 6 બોટલ દારૂ કબ્જે કરી પૂછપરછ હાથ ધરતાં અનોપ પઢિયાર નામના શખ્સની સંડોવણી ખુલી હતી. જેથી પોલીસે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી