ખંભાળિયા વિસ્તારમાં પોલીસ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહી અંતર્ગત અહીં ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલી કામગીરી શક્તિરાજસિંહ જાડેજા તથા સુખદેવસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયા – ભાણવડ માર્ગ પર અત્રેથી આશરે 20 કિલોમીટર દૂર ભાણવારી ગામના પાટીયા પાસેથી મધ્ય રાત્રીના આશરે ત્રણેક વાગ્યાના સમયે પસાર થઈ રહેલી જી.જે. 32 બી. 5873 નંબરની એક મારુતિ સુઝુકી અર્ટિગા મોટરકારને અટકાવી, તેમાં ચીટીંગ કરતા આ મોટરકારમાંથી જુદી જુદી બ્રાન્ડની કુલ 177 બોટલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
આથી પોલીસે રૂપિયા 70,800 ની વિદેશી દારૂ તેમજ રૂ. 40,000 ની કિંમતમાં બે નંગ મોબાઈલ ફોન ઉપરાંત રૂપિયા પાંચ લાખની કિંમતની મોટરકાર મળી, કુલ રૂપિયા 610,800 નો મુદ્દામાલ કબજે કરી, આ પ્રકરણમાં મીઠાપુર તાબેના આરંભડા વિસ્તારમાં રહેતા મહેકભા મુરુભા કેર અને મીઠાપુર ટાઉનશીપ વિસ્તારમાં રહેતા શ્રીનાથ ઉર્ફે શીનુ કિરીટભાઈ જોશી નામના બે શખ્સોને ઝડપી લીધા હતા. દારૂનો આ જથ્થો તેઓએ ભાણવડ તાલુકાના રાણપર ગામે રહેતા રાજુ કોડીયાતર નામના શખ્સ પાસેથી મેળવ્યો હોવાનું ખૂલતાં પોલીસે આ અંગે પ્રોહી. એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.