જામનગરના સાધના કોલોની વિસ્તારમાંથી 800 લીટર દેશી દારૂના જથ્થા સાથે સીટી-એ ડિવિઝને બે શખ્સોને ઝડપી લીધાં હતાં. કાલાવડના નિકાવા માંથી રૂા.1000ની કિંમતની બે નંગ દારૂની બોટલ સાથે એક શખ્સને પોલીસે ઝડપી લઇ અન્ય એક શખ્સની શોધખોળ આરંભી હતી.કાલાવડમાં કુંભનાથ પરામાંથી રૂા.1600ની કિંમતની ચાર નંગ દારૂની બોટલ સાથે બે શખ્સો ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરાઇ હતી. જામનગરમાં રાજનગર પાછળ ફીયોનિકા સોસાયટીમાંથી 200 મીલીની દારૂની બોટલ સાથે એક શખ્સ ઝડપાયો હતો.
દારૂના દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગર સીટી-એ ડિવિઝનના પો.કો. મહાવિરસિંહ જાડેજા તથા વનરાજભાઇ ખવડને મળેલ બાતમીના આધારે જામનગરના સાધના કોલોની પહેલો ગેઇટ બ્લોક નં.એમ-51 રૂ.નં.3865માં રહેતો હિતેશ ઉર્ફે સાકિડો સોમાભાઇ ચાવડા તથા તેનો ભાઇ બિપીન સોમાભાઇ ચાવડા પોતાના રહેણાંક મકાનની બાજુમાં આવેલ પોતાના કબ્જાભોગવટાના રહેણાંક મકાન બ્લોક નં. એમ-59 રૂ.નં.3962માં દેશી દારૂનો જથ્થો હોવાની બાતમીને આધારે રેઇડ દરમ્યાન હિતેશ ઉર્ફે સાકિડો સોમાભાઇ ચાવડા તથા રોહિત દિનેશભાઇ ત્રિવેદીને રૂા.10,000ની કિંમતનો 500 લિટર દારૂ તથા મકાનની બહાર રહેલ મોટરકારમાં રૂા.6,000ની કિંમતનો 300 લિટર દારૂ તેમજ રૂા.5,00,000ની કિંમતની મોટરકાર સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી. તેમજ રેઇડ દરમ્યાન નાશી જનાર બિપીન સોમાભાઇ ચાવડા તથા દેશી દારૂ મોકલનાર લાલાભાઇ રબારીની શોધખોળ હાથ ધરી હતી.
આ કાર્યવાહી સીટી-એના પીઆઇ એમ.જે.જલુ, પીએસઆઇ એમ.વી.મોઠવાડિયા, હેકો.યુવરાજસિંહ જાડેજા, દેવાયતભાઇ કાંબરિયા, મહિપાલસિંહ જાડેજા, સુનિલભાઇ ડેર, પો.કો. શિવરાજસિંહ રાઠોડ, મહાવીરસિંહ જાડેજા, વનરાજભાઇ ખવડ, યોગેન્દ્રસિંહ સોઢા, વિક્રમસિંહ જાડેજા, મેહુલભાઇ વિશાણી તથા રવીરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.
બીજો દરોડો, કાલાવડ તાલુકાના નિકાવામાં મોટા વડાલા ગામેથી સાહિલ ગફારભાઇ મુલતાનીની રૂા.1000ની કિંમતની બે નંગ ઇંગ્લીશ દારૂની બોટલ સાથે સ્થાનિક પોલીસે રેઇડ દરમ્યાન ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી અને મફતસિંહ બળુભા જાડેજાની શોધખોળ હાથ ધરી હતી.
ત્રીજો દરોડો, કાલાવડ પોલીસ દ્વારા કુંભનાથ પરા ઇદ દરગાહ સનાળા જવાના જુના રસ્તેથી મોટર સાઇકલ નંબર જીજે.10.ડીએલ.1903 નંબરની ગાડીમાંથી રાકેશ છોટુભાઇ ધારેવાડિયા તથા પ્રદિપ મહેશભાઇ કાટોડિયાને રૂા.1600ની કિંમતની ચાર નંગ દારૂની બોટલ, રૂા.25000ની કિંમતની મોટરસાયકલ તથા રૂા.5,500ની કિંમતના બે નંગ મોબાઇલ ફોન મળી કુલ રૂા.32,100ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ચોથો દરોડો જામનગર શહેરમાં રાજનગર પાછળ ફિયોનિકા સોસાયટી પાસે પ્રિન્સ પાન નામની મશરીભાઇ કેશુભાઇ ચાવડાની દુકાનમાંથી રૂા.200ની કિંમતનું 200 મીલી ઇંગ્લિશ દારૂની બોટલ સાથે સીટી-સી ડિવિઝન પોલીસે રેઇડ દરમ્યાન ઝડપી લીધો હતો.