જામનગર શહેરમાં ખંભાળિયા નાકા બહાર જાહેરમાં ચલણી નોટો પર એકી બેકીનો જૂગાર રમતા બે શખ્સોને પોલીસે રૂા.15300 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં. જામજોધપુર તાલુકાના જામવાડી ગામમાંથી તીનપતિનો જૂગાર રમતા છ શખ્સોને રૂા.11130 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગર શહેરના ધરારનગર 1 માં તીનપતિનો જૂગાર રમતા બે શખ્સોને રૂા.2070 ની રોકડ રકમ સાથે ઝડપી નાશી ગયેલા પાંચ સહિતના સાત શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી. જામનગરમાં સુભાષ શાકમાર્કેટ પાસે વર્લીમટકાના આંકડા લખતા શખ્સને રૂા.1890 ની રોકડ સાથે ઝડપી લીધો હતો.
જૂગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો, જામનગર શહેરના ખંભાળિયા નાકા બહાર જાહેરમાં ભારતીય ચલણી નોટો ઉપર એકી બેકીનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે સિટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન રતીલાલ પ્રાગજી કનખરા અને ઈમરાન ગફાર ખફી નામના બે શખ્સોને રૂા.15300 ની રોકડ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બીજો દરોડો, જામજોધપુર તાલુકાના જામવાડી ગામમાં તીનપતિનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન દિનેશ લીલા સગારકા, ઉમેશ મગન સગારકા, રમણિક રતનશી વિરોજા, જયેશ હમીર સગારકા, પ્રફુલ્લા કારા સીતાપરા, રાજેશ મોહન સગારકા સહિતના છ શખ્સોને રૂા.11130 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.
ત્રીજો દરોડો, જામનગર શહેરમાં ધરારનગર-1 વિસ્તારમાં સ્ટ્રીટલાઈટના અંજવાળે તીનપતિનો જૂગાર રમતા હુશેન હારુન કમોરા, કાસમ તૈયબ લાખા નામના બે શખ્સોને સિટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન રૂા.2070 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં. જ્યારે જાવીદ દાઉદ ભડાલા, હારુન દાઉદ ભડાલા, અબ્દુલ ભડાલા, નજીર અને સલીમ નામના પાંચ શખ્સો નાશી ગયા હોય, જેથી પોલીસે સાત શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ચોથો દરોડો, જામનગર શહેરના સુભાષ શાકમાર્કેટ પાસે જાહેરમાં વર્લીમટકાના આંકડા લખી પૈસાની હારજીત કરતા કૈલાસ વીરુ નાગપાલ નામના શખ્સને સિટી એ ડીવીઝન પોલીસે રૂા.1890 ની રોકડ રકમ અને વર્લીના સાહિત્ય સાથે ઝડપી લઈ પૂછપરછ હાથ ધરતા આ આંકડાની કપાત હિતેશ મનસુખ શાહ નામના શખ્સ પાસે કરાવતો હોવાની કેફીયત આપતા પોલીસે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.