ખંભાળિયા-જામનગર હાઈવે પર રવિવારે બપોરે ખંભાળિયા પોલીસ સ્ટાફની સર્વેલન્સ ટીમ દ્વારા ચોક્કસ બાતમીના આધારે રાજસ્થાન રાજ્યના તથા દાહોદ જિલ્લાના બે શખ્સોને બોલેરો વાહનમાં લઈ જવાતી 252 બોટલ વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી લેવામાં આવ્યા હતા.
આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ ખંભાળિયા- જામનગર ધોરીમાર્ગ પર ગઈકાલે રવિવારે પી.આઈ. પી.એમ. જૂડાલના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવેલી કામગીરી અંતર્ગત કજુરડા રોડ પરથી પસાર થતી આરજ-04-જીબી-8912 નંબરની બોલેરો કેમ્પર કારને અટકાવી, ચેકિંગ કરવામાં આવતા આ કારમાંથી જુદી-જુદી બ્રાન્ડની 212 બોટલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસે રૂા. 1,00,800 ની કિંમતની 252 બોટલ વિદેશી દારૂ ઉપરાંત રૂપિયા પાંચ લાખની કિંમતની બોલેરો કેમ્પર તેમજ રૂા. 5,500ની કિંમતના બે નંગ મોબાઈલ ફોન મળી કુલ રૂા. 6,06,300 ના મુદ્દામાલ સાથે રાજસ્થાન રાજ્યના બાડમેર જિલ્લાના વતની અને હાલ અંજાર તાલુકાના રહીશ ડાઉરામ ઉર્ફે અશોક કોજારામ પોટલીયા નામનો શખ્સ તેમજ હાલ અંજાર તાલુકાના ખેડોઈ ગામે રહેતા અને મૂળ દાહોદ જિલ્લાના વતની એવા ચંદુ માનસિંગ માવી ભીલ નામના બંને શખ્સોની અટકાયત કરવામાં આવી હતી.