મહારાષ્ટ્રમાં કસારાઘાટથી નાસિક તરફ વિહાર કરી રહેલાં જૈન સાધ્વીઓને માર્ગ પર બેદરકાર ટ્રક ચાલકે હડફેટે લેતાં બે જૈન સાધ્વીઓ કાળધર્મ પામ્યા છે. અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રક મૂકીને નાસી છૂટયો હતો. અકસ્માતમાં જૈન સાધ્વીઓ કાળધર્મ પામતાં મહારાષ્ટ્ર સહિતના જૈન સમાજમાં શોકની લાગણી પ્રસરી છે.
અકસ્માતની પ્રાપ્ત વિગતો અનુસાર શ્રમણસંઘના તપસ્વી પૂ. સુમિતપ્રકાશજી મ.સા. પૂ. વિશાલમુનિ. મ.સા.ના આજ્ઞાનુવર્તી અને શ્રમણી વિદ્યાપીઠ-ઘાટકોપરમાં ન્યાયનો અભ્યાસ કરાવનાર ડૉ. પૂ. સિધ્ધાયિકાજી મહાસતીજી અને પૂ. હર્ષાયિકાજી મ.સ. (દીક્ષાપર્યાય-4 વર્ષ) આજે તા. 8ને ગુરૂવારે સવારે શાહપુર માનસમંદિર તીર્થ સંચાલિત કસારાઘાટ, વિહારધામથી નાસિક તરફ વિહાર કરતાં હતા. ત્યારે હોટેલ ઓરેન્જસિટી-કસારાઘાટ પાસે સવારે 5-30 કલાકે એક ટ્રક ચાલકે તેમને હડફેટે લેતાં બન્ને ગંભીર ઇજાઓ પહોંચી હતી. સારવાર મળે તે પહેલાં જ બન્ને જૈન સાધ્વીઓ કાળધર્મ પામતા જૈન સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે. બન્ને સાધ્વીઓનો આગામી ચાતુર્માસ પવનનગર નાસિકમાં હતો. પ. શ્રી ધીરગુરૂદેવ ગોરેગામ સંઘમાં ગુણાંજલિ અર્પણ કરેલ હતી.