Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરદશેરાના દિવસે હાલારમાં સામાન્ય ઝાપટાંથી બે ઇંચ વરસાદ

દશેરાના દિવસે હાલારમાં સામાન્ય ઝાપટાંથી બે ઇંચ વરસાદ

જામજોધપુરમાં પોણા બે ઇંચ પાણી વરસ્યું : ધ્રાફામાં બે ઇંચ વરસાદ વરસ્યો : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદી ઝાપટાનો દૌર યથાવત્

જામનગર શહેર અને જિલ્લામાં આ વર્ષે નવરાત્રિ મહોત્સવ દરમ્યાન છૂટછવાયો વરસાદ વરસ્યો હતો. દિવાળીના તહેવારમાં પણ વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે. છેલ્લા 24 કલાક દરમ્યાન જિલ્લામાં સામાન્ય ઝાપટાંથી દોઢ ઇંચ જેટલું પાણી વરસી ગયું છે. ત્યારે દેવભૂમિ દ્વારકામાં પણ પોણા બે ઇંચ જેટલો વરસાદ વરસી ગયાના અહેવાલ છે.

- Advertisement -

આ વર્ષે નવરાત્રિમાં પણ હવામાન વિભાગની આગાહી મુજબ મેઘરાજા વરસી ગયા હતા. આજે સવારે 6 વાગ્યે પૂર્ણ થયેલા ચોવીસ કલાક દરમિયાન જામનગર જિલ્લાના જામજોધપુરમાં છૂટાછવાયા ઝાપટાં અને રાત્રિના 10 થી 12 વાગ્યા સુધીમાં સવા ઇંચ વરસાદ વરસી ગયો હતો. આમ, જામજોધપુરમાં 24 કલાકમાં દોઢ ઇંચ પાણી પડયું હતું. તાલુકાના ધ્રાફા ગામમાં બે ઇંચ, ધુનાડામાં પોણા બે ઈંચ, જામવાડી, શેઠવડાળા અને સમાણા તથા વાંસજાળિયામાં એક-એક ઇંચ વરસાદ વરસી ગયો હતો. પરડવામાં પોણો ઇંચ પાણી ઝાપટારૂપે વરસ્યું હતું.

જામનગર શહરેમાં પણ સવારથી જ વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. વાદળિયા વાતાવરણ વચ્ચે બપોરે 12 થી 2માં ધીમીધારે અડધો ઇંચ પાણી વરસ્યું હતું. જ્યારે તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મોટી બાણુંગારમાં પોણા બે ઇંચ પાણી વરસ્યું હતું. જ્યારે મોટી ભલસાણ અને અલિયામાં પોણો-પોણો ઇંચ, વસઇ, લાખાબાવળ અને જામવણથલીમાં અડધો-અડધો ઇંચ ઝાપટાંરૂપે પાણી પડયું હતું. દરેડમાં જોરદાર ઝાપટું વરસ્યું હતું. કાલાવડમાં છૂટોછવાયો અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો. તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મોટા પાંચ દેવડામાં એક ઇંચ વરસાદ તથા નવાગામમાં પોણો ઇંચ અને ભલસાણ બેરાજા તથા મોટા વડાળામાં અડધો-અડધો ઇંચ ઝાપટાંરૂપે વરસાદ પડયો હતો. ખરેડી અને નિકાવામાં સામાન્ય ઝાપટાં પડયાં હતાં.

- Advertisement -

જોડિયામાં બપોરે ર વાગ્યાથી રાત્રિના 10 વાગ્યા સુધીમાં છૂટાછવાયા જોરદાર ઝાપટાંરૂપે એક ઇંચ વરસાદ પડયાના અહેવાલ છે. જ્યારે તાલુકાના ગ્રામ્ય વિસ્તારો કોરાધાકોડ રહ્યાં હતાં. ધ્રોલમાં બપોરે 2 થી રાત્રિના 10 વચ્ચે પોણો ઇંચ પાણી પડયું હતું. તાલુકાના જાલિયા દેવાણીમાં દોઢ ઇંચ વરસાદ વરસી ગયો હતો. તેમજ લાલપુરમાં વરસાદે વિરામ રાખ્યો હતો. જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં મોટા ખડબામાં અડધો ઇંચ, તો હરિપર, મોડપર, ભણગોર, પડાણા અને પીપરટોડામાં સામાન્ય ઝાપટાં વરસ્યા હતા.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રવિવારે રાત્રીથી શરૂ થયેલી મેઘ સવારી ગઈકાલે ગુરુવારે પણ હળવા ઝાપટા રૂપે સર્વત્ર વરસી હતી. તેમાં ગુરુવારે 24 કલાકમાં દિવસ દરમિયાન દ્વારકા તાલુકામાં પોણા બે ઈંચ (44 મી.મી.), ભાણવડમાં 6 મી.મી., કલ્યાણપુરમાં 19 અને ખંભાળિયામાં 5 મી.મી. વરસાદ નોંધાયો છે. ધીમીધારે વરસાદથી માર્ગો કીચડથી ખરડાયેલા બની રહ્યા હતા. જો કે, વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. આજે સવારથી વાતાવરણ ખુલ્લું બની રહ્યું હતું અને સૂર્યનારાયણના દર્શન થયા હતા. જિલ્લામાં મોસમનો કુલ સરેરાશ વરસાદ સાડા 36 ઈંચ (913 મી.મી.) થવા પામ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular