જામનગર-રાજકોટ હાઈવે ઉપર મોટરકારે બાઈકને હડફેટે લેતા દંપતીને અકસ્માત નડયો હતો. જેમાં પત્નીનું મૃત્યુ નિપજ્યું હતું. અન્ય બનાવમાં જામનગર – ખંભાળિયા હાઈવે ઉપર ગોરધનપર ગામના પાટીયા પાસે પણ એક મોટરકારના ચાલકે બાઈકને હડફેટે લેતા બાઈકમાં સવાર દંપતી ખંડિત થયું હતું. પત્નીનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે બાઈકચાલકનું પણ સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું.

અકસ્માતના બનાવની વિગત મુજબ, પ્રથમ બનાવ જામનગર-રાજકોટ હાઈવે રોડ પર ફલ્લા ગામથી આગળ તીરૂપતિ કોટેકસ જીનની સામે રોડ પરથી જીજે-10-સીએ-7535 નંબરનું મોટરસાઈકલ લઇને નટવરલાલ તથા હંસાબેન નામનું દંપતી પસાર થઈ રહ્યું હતું. આ દરમિયાન જીજે-27-ડીએચ-8745 નંબરની કિયા મોટરકાર ચાલકે પોતાની ગાડી બેફીકરાઇથી અને ગફલતભરી રીતે ચલાવી બાઈક પર જઈ રહેલા દંપતીને હડફેટે લીધા હતાં. મોટરસાઈકલને પાછળથી ઠોકર લાગતા દંપની બાઈક પરથી પડી ગયું હતું. જેમાં બાઈકચાલક નટવરલાલને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજાઓ તેમજ તેમના પત્ની હંસાબેનને પણ માથાનાભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો એકઠા થઈ ગયા હતાં.અને આ અંગે 108 ને જાણ કરાતા 108 એમ્બ્યુલન્સ દોડી જઈ બન્ને ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડયા હતાં. જ્યાં સારવાર દરમિયાન હંસાબેનનું મૃત્યુ નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. કારચાલક અકસ્માત સર્જી પોતાની ગાડી ત્યાં મુકીને જ નાશી ગયો હતો.
આ બનાવ અંગે બાઈકચાલક દંપતીના ભત્રીજા આશિષભાઈ હરેશભાઈ ધમસાણિયાએ પોલીસને જાણ કરતા પંચ એ પોલીસ દોડી ગઈ હતી અને મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે ખસેડયો હતો. ફરિયાદીએ જીજે-27-ડીએચ-8745 નંબરના કારચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
બીજો બનાવ, જામનગર-ખંભાળિયા હાઈવે પર ગોરધનપર ગામ પાસે આવેલ ઈન્ડિયન ઓઇલના પેટ્રોલપમ્પ નજીકથી પસાર થતો જીજે-19-બીએન-2584 નંબરનું ટીવીએસ એકસેલ લઇ દંપતી પસાર થઇ રહ્યું હતું. આ દરમિયાન જીજે-03-એમઆર-0075 નંબરના સ્કોર્પિયો મોટરકારના ચાલકે પોતાની મોટરકાર બેફીકરાઇથી ચલાવી લ્યુનામાં જઈ રહેલ દંપતીને ઠોકર મારી નાશી ગયો હતો. આ અકસ્માતમાં કારીબેનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે બાઈકચાલક રતનાભાઈ રામાભાઈ પરમારને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં સારવાર દરમિયાન તેમનું પણ મૃત્યુ નિપજ્યું.
આ બનાવ અંગે મૃતક મહિલાના ભાઇ જેન્તીભાઈ રવજીભાઈ વાઘેલા દ્વારા પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે તથા હોસ્પિટલે દોડી ગઈ હતી અને મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે ખસેડયા હતાં. ફરિયાદી દ્વારા જીજે-03-એમઆર-0075 નંબરના સ્કોર્પિયો કાર ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.